ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં દેહદાન, ચક્ષુદાન બાદ હવે ચામડીનું દાન લેવામાં અને આપવામા આવશે. રાજ્યમાં પ્રથમ સ્કિન બેંકનો રાજકોટમાં પ્રારંભ થયો છે. રોટેઈ કલબ દ્વારા ૫૦ લાખની કિંમતના અલગ અલગ મશીનરી વસાવી રાજકોટ સિવિલ હોસ્પિટલને અર્પણ કરી આ બેંક શરૂ કરવામાં આવી છે. જેમાં રેફ્રિજરેટર, ડરમેટોકોન, ક્યુબકેર, રેઝર સહિતના સાધનોનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્ર ભરમાંથી મોટાભાગના બર્ન કેસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે અને તેમાં પણ ૬૦ ટકાથી વધુ બર્ન શરીર વાતાવરણ અનુકૂળ ન આવતા દર્દીનું મૃત્યુ થતું હોય છે ત્યારે બર્ન કેસમાં મૃત્યુ આંક ઘટાડવા માટે સ્કિન બેંક શરૂ કરવામાં આવી છે. જેનો ઉપયોગ આવતા દિવસોમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવશે અને આ મશીનની અંદર સ્ટોર કરવામાં આવતી સ્કિન ૪થી ૫ વર્ષ સુધી સાચવી શકાય છે.રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેડન્ટ મનીષ મહેતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વર્ષે ૩૫૦થી વધુ બર્ન કેસ નોંધાય છે તે કેસની સંખ્યામાં ઘટાડો કરવા આ સ્કિન બેંક ફાયદાકારક સાબિત થઇ શકે છે. પરંતુ આ માટે લોકોમાં જાગૃતતા લાવવી પણ એટલું જ જરૂરી છે અને લોકો મૃત્યુ બાદ અંગદાન,ચક્ષુદાન,લીવર દાન,કિડની દાન સાથે ચામડીનું દાન કરે તેવી અપીલ કરી હતી. ઉલ્લેખનિય છે કે, વિશ્વમાં સૌ પ્રથમ સ્કિન બેંક ૧૯૫૦માં અમેરિકા ખાતે શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં પ્રથમ રાજકોટ ખાતે શરૂ કરવામાં આવી છે.