રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. જ્યારે નવરાત્રિના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે એવા માહોલમાં ખેલાડીઓમાં વરસાદના વિઘ્નનો ડર સતાવી રહ્યો છે. ગુરુવારે અમદાવાદમાં મોડી રાત્રે સાંબેલાધાર વરસાદ પડતા શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.પ્રાપ્ત માહિતી મુજબ મોડી રાત્રે ભારે વરસાદના કારણે જીએમડીસી મેદાન પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મેદાનમાં સર્વત્ર પાણી ભરાતાં વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવને વરસાદનું વિઘ્ન નડી રહી છે એવું લાગી રહ્યું છે. અતિશય વરસાદ અને ઝડપી ગતિએ પવન ફૂંકાતા મેદાનના તંબુ અને ડોમને પણ ભારે નુકસાન થયું છે. આ વરસાદના કારણે ખેલૈયા અને આયોજકોમાં ભારે ચિંતા સર્જાઈ છે. નવરાત્રિ દરમિયાન વરસાદી માહોલ રહેશે એવા અહેવાલ મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે દરવર્ષે અમદાવાદના જીએમડીસી મેદાનમાં નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન મોટી સંખ્યામાં શહેરીજનો આ મેદાન પર ગરબે ઘૂમે છે. પરંતુ હવે વરસાદ બાદ મેદાનમાં પાણી ભરાતાં લાખો રૂપિયાનું નુકશાન થયું છે સાથે ખેલૈયાઓ વચ્ચે ચિંતા ઓસરી છે. મેદાનમાં સાઉન્ડ સિસ્ટમ તેમજ લાઇટિંગ સિસ્ટમને પણ વરસાદના કારણે ભારે અસર થઈ છે.