અમે યુદ્ધ નહીં બુદ્ધ આપનાર : મોદી

473

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રના મંચથી આજે આતંકવાદ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, અમે દુનિયાને યુદ્ધ નહીં બલ્કે બુદ્ધ આપ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમારા અવાજમાં આતંકવાદની સામે દુનિયાને સતર્ક કરવા માટેની ગંભીરતા અને આક્રોશ બંને છે. આતંકવાદ માનવતા અને દુનિયાના તમામ દેશો માટે સૌથી મોટા પડકાર અને સમસ્યા તરીકે છે. આ મુદ્દા ઉપર વિભાજિત થયેલી દુનિયા એવા સિદ્ધાંતોને મોટી ઠેસ પહોંચાડે છે જેના આધાર પર સંયુક્ત રાષ્ટ્રની રચના કરવામાં આવી હતી. આતંકવાદના મુદ્દા ઉપર કોઇ પણ દેશના નામનો ઉલ્લેખ કર્યા વગર ચીન અને અને પાકિસ્તાનની જોરદાર ઝાટકણી કાઢી હતી. આ બંને દેશો આતંકવાદના મુદ્દા પર હંમેશા સંયુક્ત રાષ્ટ્રમાં અડચણો ઉભી કરતા રહ્યા છે. એકબાજુ પાકિસ્તાન દ્વારા ત્રાસવાદીઓ સામે પગલા લેવામાં આવી રહ્યા નથી. બીજી બાજુ ચીન દ્વારા મોટા આતંકવાદીઓના મામલે પાકિસ્તાનને પરોક્ષરીતે સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, આતંકવાદની સામે હવે સમગ્ર દુનિયા એક મત થાય તે સમય આવી ગયો છે. મોદીએ ૧૭ મિનિટ સુધી આપેલા પોતાના ભાષણમાં અનેક મુદ્દાઓનો જોરદારરીતે ઉલ્લેખ કર્યો હતો. વિભાજિત થયેલી દુનિયા કોઇપણ દેશના હિતમાં નથી. અમારી પાસે પોતાની સરહદોમાં મર્યાદિત થવા કોઇ વિકલ્પ નથી. અમને સંયુક્ત રાષ્ટ્રને નવી શક્તિ અને નવી દિશા આપવાની જરૂર દેખાઈ રહી છે. આની સાથે સાથે મોદીએ સ્વામી વિવેકાનંદના નામનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સવા સો વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ સંસદ સમક્ષ દુનિયાના દેશોને એક સંદેશ આપ્યો હતો. આ સંદેશ સદ્‌ભાવ અને શાંતિનો હતો. ભારત તરફથી આજે પણ દુનિયા માટે આજ સંદેશ રહેલો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૪માં સત્રમાં બોલતા મોદીએ કહ્યું હતું કે, જો દુનિયા આતંકવાદ પર વિભાજિત દેખાઈ રહી છે તો સંયુક્ત રાષ્ટ્રના સિદ્ધાંતોથી અન્યાય રહેશે. આજથી ત્રણ હજાર વર્ષ પહેલા અમારા એક તમિળ કવિએ કહ્યું હતું કે, અમે તમામ સ્થાનો માટે પરિવાર માટેની ભાવના રાખીએ છીએ. તમામ લોકો અમારા પોતાના છે. ભારતે વિશ્વ બંધુત્વની આ મહાન પરંપરાને આગળ વધારવાનું કામ કર્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ આ વર્ષે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજ્યંતિ મનાવી રહ્યું છે.

સત્ય અને અહિંસાના તેમના સંદેશ આજે પણ વિશ્વ માટે એટલા સજીવન છે. સમગ્ર વિશ્વ મહાત્મા ગાંધીની પ્રેરણાથી પ્રભાવિત છે. ભારતે પાંચ વર્ષમાં ૧૧ કરોડ શૌચાલયોનું નિર્માણ કર્યું છે. આ સમગ્ર દુનિયાને એક પ્રેરક સંદેશ આપવા સમાન છે. ભારત દુનિયાની સૌથી મોટી હેલ્થ સ્કીમ ચલાવે છે. ૫૦ કરોડ પરિવારને પાંચ લાખ રૂપિયાની મદદ આપવામાં આવી રહી છે. આની સાથે સાથે મોદીએ જનધન એકાઉન્ટ, બેંકોમાં સીધી સબસિડીનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની સામે અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ એમ પણ કહ્યું હતું કે, આવનાર પાંચ વર્ષમાં અમે જળ સંરક્ષણને પ્રોત્સાહન આપી રહ્યા છે. સાથે સાથે ૧૫ કરોડ ઘરને પાણીના પુરવઠા સાથે જોડવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આગામી પાંચ વર્ષમાં દુરગામી ગામોને જોડવાનું માટેનું કામ થઇ રહ્યું છે. આના માટે સવા લાખ કિલોમીટરથી વધુના માર્ગો બની રહ્યા છે. ૨૦૨૨ સુધી અમે ગરીબો માટે બે કરોડ વધુ ઘરનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. દુનિયાને ટીબીથી મુક્તિ માટે ૨૦૩૦નો સમય આપવામાં આવ્યો છે પરંતુ અમે ૨૦૨૫ સુધી ભારતને ટીબી મુક્ત બનાવવા ઇચ્છુક છે. ભારતમાં ઝડપથી ફેરફાર થઇ રહ્યા છે. ભારત હજારો વર્ષ જુની સંસ્કૃતિને અપનાવીને આગળ વધી રહ્યું છે. અમારા સંસ્કાર, અમારી સંસ્કૃતિ જીવમાં પણ શિવને નિહાળે છે જેથી  અમારા પ્રાણતત્વ જનભાગીદારીથી જન કલ્યાણની બાબત રહેલી છે. મોદીએ કહ્યું હતું કે, અમારો મંત્ર સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ રહેલો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કર્તવ્ય ભાવના સાથે કામ કરવામાં આવી રહ્યું છે.

Previous articleકો-ઓપરેટિવ બેંક કોંભાડ : પવારે છેલ્લી ઘડીએ નિર્ણય બદલી દીધો
Next articleદેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ : વિજ વ્યવસ્થા ઠપ્પ