ભાવનગર ખાતે જિલ્લાકક્ષાના મેગા રોજગાર તથા એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરાયું

499

ભાવનગર શહેરના અટલબિહારી બાજપાઈ ઓપન એર થિયેટર હોલ ખાતે શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગર, જિલ્લા વહિવટીતંત્ર ભાવનગર, મદદનીશ નિયામક રોજગાર કચેરી ભાવનગર, તેમજ આઈ.ટી.આઈ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના યુવાનોને તેમના કૌશલ્ય મુજબની રોજગારી પ્રાપ્ત થાય તેમજ ઔદ્યોગિક તેમજ સેવાકીય એકમોના સ્પર્ધાત્મક વાતાવરણમાં ટકી શકાય તે હેતુથી જિલ્લાકક્ષાનો મેગા જોબફેર તથા એપ્રેન્ટિસ જોબ ફેરનું રાજ્યમંત્રી વિભાવરીબેન દવેની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજન કરાયું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે આવા આયોજનો યુવાનોને જીવનમાં ઊંચી ઉડાન ભરવામાં મદદરૂપ બને છે. દસ લાખ યુવાઓને આવા રોજગાર મેળાના માધ્યમ થકી નોકરીઓ મળી છે. ૨૦૦૨ પછી થી સરકારી નોકરીઓની ભરતી પરથી પ્રતિબંધ ઉઠાવી માનનીય વડાપ્રધાન શ્રીનરેન્દ્ર ભાઇ મોદીએ દરેક વિભાગોમાં પારદર્શક ભરતી પ્રક્રિયા શરૂ કરાવી જેના થકી રાજ્યના અનેક યુવાનોને સરકારી નોકરીનો લાભ મળ્યો અને હાલના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારમાં પણ એક લાખ સરકારી નોકરીઓ યુવાનોને પ્રાપ્ત થઇ છે.  મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે એક સર્વે પ્રમાણે ભારતમાં વર્ષ ૨૦૧૪માં કુલ ૩,૩૮,૫૦૦  યુવાનોને રોજગારી મળી જેમાંથી ૨,૯૦,૮૦૦ નોકરીઓ ગુજરાતના યુવાનોને મળી આમ કુલ નોકરીઓ ની ૮૬ ટકા રોજગારી ગુજરાત સરકારે યુવાનોને પૂરી પાડી છે. ભારતમાં ૧૦૦૦ યુવાનોમાંથી ૫૦ યુવાનો બેરોજગાર છે જ્યારે ગુજરાતમાં એ પ્રમાણ ૧૦૦૦ વ્યક્તિએ માત્ર ૯ નું છે. જેનો શ્રેય આવા રોજગારલક્ષી મેળાઓ તેમજ સરકારશ્રીની રોજગારલક્ષી નીતિઓને જાય છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે યુવાનોએ જોયેલા રોજગારીના સપના અત્રે પૂરા થશે. રાજ્યના દરેક જિલ્લાઓમાં સરકારશ્રી દ્વારા રોજગાર મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેના થકી અનેક યુવાનોને પોતાના જીવનનું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ મળશે. વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીએ દેશના યુવાનોને કારકિર્દીલક્ષી યોગ્ય દિશા મળી રહે તે હેતુથી સ્કિલ ડેવલોપમેન્ટ નામનો નવો વિભાગ શરૂ કર્યો છે. આ રોજગાર મેળામાં ૪૫ થી વધુ નોકરીદાતાઓ, ઔદ્યોગિક એકમોને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમગ્ર જિલ્લામાથી આશરે ૩૫૦૦ થી વધુ નોકરીવાંચ્છુ ઉમેદવારો હાજર રહ્યા હતા.જેમાથી એપ્રેન્ટીસ માટે ૬૮૬ ઉમેદવારોની તેમજ ૨૫૦૦ થી વધુ ઉમેદવારોની રોજગારી માટેની પ્રાથમિક પસંદગી સ્થળ પર જ કરવામા આવી હતી. આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજ સિંહ ગોહિલ, જીલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરુણ કુમાર બરનવાલ, મદદનીશ રોજગાર નિયામક એસ.પી ગોહિલ, તેમજ આઇ.ટી.આઇ.ના આચાર્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleસુત્રાપાડાના પ્રાચલીમાં આભ ફાટ્યુ : ૩ કલાકમાં નવ ઇંચ
Next articleઈર્ષ્યાનું ઈંધણ