ભાવનગર જીલ્લામાં સર્વત્ર મેઘમહેર

584

છેલ્લા એકાદ સપ્તાહના વિરામ બાદ ગોહિલવાડ પંથકમાં નવરાત્રીનું સ્વાગત કરવા આવ્યો હોય તેમ આજે વહેલી સવારથી જ વિજળીના કડાકા સાથે ભાવનગર શહેર સહિત જિલ્લાભરમાં વરસાદનું પુનઃ આગમન થયુ હતું. અને બપોર સુધીમાં તમામ સ્થળો પર હળવો ભારે અડધા બે ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો જળાશયો અને ચેકડેમોમાં નવા નીરની આવક પણ થવા પામી હતી. એકાદ સપ્તાહના વિરામ બાદ પડેલા વરસાદના કારણે ખેતીના પાકને પણ ફાયદો થવાનું જણાઈ રહ્યુ છે.

છેલ્લા એકાદ અઠવાડીયાના વિરામ બાદ આજે વહેલી સવારથી જ ભાવનગર શહેર સહિત જિલ્લાભરમાં વિજળીના કડાકા સાથે મેઘરાજાનું આગમન થયુ હતું. છેલ્લા બે દિવસથી વરસાદ અંધારતો પરંતુ વરસ્યો ન હતો આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થતા અને બપોર સુધી શરૂ રહેતા મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતી સર્જાઈ હતી. શહેરના નિચાણવાળા વિસ્તારો કુંભારવાડા, રેલ્વે સ્ટેશન રોડ દાણાપીઠ, તેમજ શિવાજી સર્કલ, સરદારનગર, સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સવારે શાળાએ તેમજ નોકરી જવાવાળા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે અનેક લોકોએ વરસાદમાં પલળીને પણ નોકરી ધંધે જવાની મજા માણી હતી. આજે પડેલા વરસાદના કારણે શહેર જિલ્લાના જળાશયોમાં નવાનીરની આવક થવા સાથે અનેક ચેકડેમો છલકાઈ જવા પામ્યા હતા. જેના કારણે તળ ઉચા આવવાની પણ શક્યતાઓ જણાઈ રહી છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના કેટલાક જળાશયો છલક સપાટી પર પહોચી જવા પામ્યા છે. લાંબા સમયના વિરામ બાદ પડેલા વરસાદના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. આજે ભાવનગર શહેરમાં બપોરે ૧૨ વાગ્યા સુધીમાં બે ઈંચ તેમજ પાલીતાણા અને મહુવામાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સિહોરમાં ૧ ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ઉમરાળા, ગારીયાધાર, ઘોઘા, જેસર, તળાજા અને વલ્લભીપુર પંથકમાં અડધાથી એક ઈંચ વરસાદ નોંધાવા પામ્યો હતો. જો કે ૧૨ વાગ્યા બાદ પણ વરસાદ શરૂ રહ્યો હતો. અને જીલ્લામાં પણ અનેક તાલુકાઓમાં વરસાદ શરૂ હોવાના અહેવાલો મળી રહ્યા છે ત્યારે હજુ સાંજ સુધીમાં વધુ વરસાદ નોંધાઈ તેવી પણ શક્યતાઓ જણાઈ રહી છે.

હાલની ચોમાસાની સીઝનમાં ભાવનગર શહેરમાં ૪૪ ઈંચ જેટલો વરસાદ પડી જવા પામ્યો છે.  બપોરે ૧૨ થી ૨ સુધીનો વરસાદ ભાવનગર શહેર અને જિલ્લમાં બપોર બાદસુધી પણ વરસાદ શરૂ રહ્યો છે. બપોરે ૧૨ થી ૨ વાગ્યા સુધીમાં ભાવનગર શહેરમાં ૧૦ મી.મી. ઘોઘામાં ૧૫, તળાજામાં ૧૩, તથા મહુવામાં ૮ મી.મી. અને અન્યત્ર હળવા ભારે ઝાપટા પડ્યા હતા. હજુ વરસાદ શરૂ હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.

Previous articleબોરતળાવની સપાટી ૪૦.૫ ફુટને પાર
Next articleકિલ બિલની હિન્દી રીમેકમાં શાહરૂખ ખાન હશે