બીસીસીઆઈએ પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમને ભારતમાં રમવા માટે મંજૂરી માંગી છે. બોર્ડે પાક મહિલા ક્રિકેટ ટીમને ભારત આવવા આમંત્રિત કરવા માટે સરકાર પાસે એકવાર ફરી મંજૂરી માંગી છે. આ મંજૂરી આઈસીસીની મહિલા ક્રિકેટ ચેમ્પિયનશિપ માટે માંગવામાં આવી છે. આઇસીસીની ટૂર્નામેન્ટ હોવાના કારણે પાકિસ્તાનનો આ પ્રવાસ હવે બીસીસીઆઈ માટે માથાનો દુઃખાવો સાબિત થઈ રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવેમ્બરમાં ભારત અને પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ વન ડે મેચોની સિરીઝ થવાની છે. જેના માટે બોર્ડે રમત મંત્રાલય પાસે એકવાર ફરી મંજૂરી માંગી છે. આ પહેલા ૨૯ મેના રોજ બીસીસીઆઈએ મંત્રાલયને પત્ર લખી આ વિશે મંજૂરી માંગી હતી. પરંતુ પાકિસ્તાન સાથે મામલો સંકળાયેલ હોવાના કારણે મંત્રાલયે આ મુદ્દે મૌન ધારણ કર્યું છે.
બીજી તરફ બીસીસીઆઈ પર આઈસીસી આ મુદ્દે દબાણ કરી રહ્યું છે. કારણ કે વૂમેન ક્રિકેટ ચેમ્પિયનશિપમાં પ્રદર્શનના આધારે ટીમોની રેંકિંગ નક્કિ થશે. આ રેંકિંગના આધારે ૨૦૨૧ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટીમોને ક્વાલિફાઇ કરવામાં આવશે. તેથી આ સિરીઝ ભારત માટે મહત્વની છે. આપને જણાવી ધઈએ કે ગુરુવારે વિદેશમંત્રી એસ.જયશંકરના નિવેદન ‘રાત્રે ગોળી અને દિવસમાં ક્રિકેટ એકસાથે સંભવ નથી’ બાદ લગભગ આ નક્કિ છે કે સરકાર પાક ટીમના આ પ્રવાસ માટે મંજૂરી નહીં આપે. જો એવું થશે તો સિરીઝ રદ થશે અને ભારતીય ટીમના પોઇન્ટ્સ કપાઈ જશે.