શહેરના રીંગરોડ ઉપર રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા ક્ષત્રિય યુવાનનું આકસ્મિક નિધન થતા બે માસુમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ જવાનને લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
સમગ્ર બનાવ અંગે જાણવા મળેલ વિગતો અનુસાર, પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કુરેજા ગામના વતની અને છેલ્લા ૩પ વર્ષથી ભાવનગરમાં સ્થાયી થયેલા ક્ષત્રિય દિપસિંહ રાઠોડના બે પુત્રો જેમાં વિક્રમસિંહ દિપસિંહ તથા વિરેન્દ્રસિંહ દિપસિંહ આ બન્ને ભાઈઓ દેશની રક્ષા કાજે ફરજ બજાવે છે. જેમાં નાનો પુત્ર વિરેન્દ્રસિંહ ઉ.વ.૩ર જમ્મુ-કાશ્મીર ખાતે રપ આર.આર. બટાલીયનમાં ફરજ બજાવતા હોય જેઓ ગત તા.ર૩ ઓગષ્ટથી ૧૯ સપ્ટેમ્બર સુધી લીવ પર પોતાના ઘરે આવ્યા હતા. જ્યાં તા.૧૬-૯ના રોજ પરિવાર સાથે કોળીયાક સમુદ્ર તટે ધાર્મિક વિધિ માટે ગયા હતા. જ્યાં વિધિ દરમ્યાન આર્મી જવાન વિરેન્દ્રસિંહની તબિયત લથડતા તત્કાલ કોળીયાક સી.એચ.સી. સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ. જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ ભાવનગરથી એક બાદ એક એમ બે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ પરંતુ સ્થિતિ નાજુક બનતા અંતે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં તબીબોએ સારવાર શરૂ કરી એવા સમયે વિરેન્દ્રસિંહએ અંતિમ શ્વાસ લઈ આ ફાની દુનિયાને અલવિદા કહી દેતા સમગ્ર પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ જવા પામઢયા હતા. સદ્દગત જવાન છેલ્લા ૧૪ વર્ષથી સેનામાં ફરજ બજાવતા હતા તેમના મોટાભાઈ વિક્રમસિંહ પણ દિલ્હી ખાતે રાજપૂત રાઈફલ બટાલીયનમાં ફરજ બજાવે છે. ઉત્સાહી તરવરીયો યુવાન વિરેન્દ્રસિંહ પરણિત છે. જેમને ત્રણ માસનો પુત્ર અને ૩ વર્ષની પુત્રી છે. તેઓ બાસ્કેટ બોલ સ્પર્ધાના ખુબ સારા ખેલાડી હતા. જ્યારે-જ્યારે ભાવનગર રજામાં આવતા ત્યારે ભાવેણાના નવયુવાનોને મિશન આર્મી અંતર્ગત વિનામુલ્યે ટ્રેનીંગ પણ આપતા હતા. આવા આશાસ્પદ જવાનના અકાળે અવસાનને લઈને દેશએ એક વિરજવાન તથા ક્ષત્રિય પરિવારે વ્હાલસોયો પુત્ર ગુમાવ્યો છે. આવી અણધારી ઘટનાને લઈને સમગ્ર ક્ષત્રિય પરિવાર વજ્રઘાત થયો છે અને ઘેરા શોકનું મોજુ ફરી વળ્યું છે. આ બનાવની જાણ ડીફેન્સના અધિકારીઓને કરાતા જામનગર આર્મી સેન્ટર ખાતેથી આર્મીના જવાનો અને અધિકારીનો રસાલો ભાવનગર શહેરના રીંગરોડ સ્થિત ચંદ્રમણી પાર્ક ખાતે આવી પહોંચ્યો હતો અને ગાર્ડ ઓફ ઓનર સાથે પૂર્ણ લશ્કરી સન્માન સહ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.