અમદાવાદ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં રહેતા એક યુવકના પ્રેમ સંબંધને ૧૨ વર્ષ પૂરા થયા અને લગ્નની વર્ષગાંઠના આગલા દિવસે જ તણાવમાં આવીને તેણે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે.
આ યુવકને છેલ્લા ઘણા સમયથી એચ.આઇ.વી એઇડ્સ હતો. તેણે તેની પ્રેમિકાને આ વાતની જાણ કર્યા બાદ લગ્ન કર્યા હતા. યુવકે આત્મહત્યા કરતા પહેલાં સાસરિયાઓ પર અને પત્ની પર આક્ષેપ કરતી એક ભાવુક અંતિમ ચિઠ્ઠી લખી હતી. આ યુવકે એક વૉટ્સએપ સ્ટેટસ પણ મૂક્યું હતું જેમાં તેણે વીડિયો બનાવી પોતે આત્મહત્યા કરી રહ્યો હોવાની જાણ કરી હતી.
પોલીસ સાહેબ લાલ અક્ષર વડે લખેલ દરેક મુદ્દાને ધ્યાનથી વાંચવા જેથી મને ન્યાય મળે.
’મારા પ્રેમ સંબંધને ૧૨ વર્ષ પૂરા થયા છે અને કાલે મારી મેરેજ એનિવર્સરી છે. અમારૂં લગ્ન જીવન ખૂબ સરસ ચાલતું હતું. મારી આ બિમારી એટલે કે એચઆઈવીની જાણ મારી પત્નીને લગ્ન પહેલાંથી જ હતી અને મેં તેને બધું જણાવીને જ મેરેજ કર્યા હતા તેમ છતાં પણ મારી સાસરી વાળા મને બદનામ કરવાની કોશિશ કરે છે.
અમારૂં લગ્ન જીવન ખરાબ કરવા માટે મારા સાસુ અને મારો નાનો સાળો જવાબદાર છે. અમારા લગ્ન જીવનમાં અવારનવાર એ લોકો ઝઘડા કરાવતાં. મારી સાસુથી ઘરનું કામ ના થઈ શકતા એ અવારનવાર મારી પત્નીને ત્યાં બોલાવી લેતા અને અમારા ઘરમાં પણ ઝઘડા થતા હતા. પરિણામે હું આ મારું જીવન ટુંકાયુ છે જેના જવાબદાર એ ત્રણ મુખ્ય છે. મને ન્યાય મળે એ માટે સાહેબ આપને નમ્ર અપીલ છે કે આ લોકો સામે કડકમાં કડક પગલાં લેવા જેથી કદીએ બીજા કોઈ જોડે આવું કરે નહીં. મારા એ.ટી.એમનો પિન…. છે. એમાં મારા ૮૫,૦૦૦ હજાર રૂપિયા બચાવેલા છે તો મારા માતાપિતાને આપી દેવા જેથી કરીને અમારું દેવું ઘરનું જ છે એ ભરાઈ જાય. અને છેલ્લી વાત મારી પત્નીને આની જાણ હતી અને મને કિધું હતું કે આ વાત આપણે કોઈને બી નહીં કરીએ એ છતાં પણ એ આજે બધાને કહે છે કે એને બિમારી છે તો આના પર ખાસ ધ્યાન આપવું.’
મૃતક યુવકે આ મામલે પોતાની સાસુ, સાળો અને પત્ની પરઆક્ષેપ કરી અને સુસાઇડ નોટ લખી છે. આપઘાત કરતા પહેલાં યુવકે પોતાના મિત્રો જોગ એક ભાવુક વીડિયો તૈયાર કર્યો હતો જેમાં રડતાં રડતાં કહ્યું હતું કે મિત્રો હું કદી આવો નહોતો મને માફ કરજો.