પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આપેલા ઉશ્કેરણીજનક ભાષણ પર ભારતે આજે જોરદાર જવાબ આપ્યો હતો. ભારતે જવાબ આપવાના પોતાના અધિકારનો ઉપયોગ કરીને ઇમરાન ખાનના હેટ સ્પીચના એક એક શબ્દને ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રથમ સચિવ વિદિશા મૈત્રાએ સાફ શબ્દોમાં કહ્યુ છે કે પાકિસ્તાની વડાપ્રધાને યુએનના મંચનો ખોટો ઉપયોગ કર્યો છે.સાથે સાથે નફરત ફેલાય તે પ્રકારનુ નિવેદન કર્યુ છે. કાશ્મીર જ નહીં ભારતીય મુસ્લિમોને લઇને પણ ઇમરાને મર્યાદાને પાર કરીને નિવેદન કર્યુ છે. ઇમરાને આડેધડ નિવેદન કર્યા છે. ભારતે પાકિસ્તાનના પ્રોપેગેન્ડાનો યોગ્ય જવાબ આપતા કહ્યુ છે કે ભારતીયોને ત્રાસવાદની ફેક્ટરી ચલાવી રહેલા કોઇ દેશ પાસેથી સલાહ લેવાની કોઇ જરૂર નથી. વિદિશાએ કહ્યુ હતુ કે પરમાણુ હુમલાની ધમકી આપીને ઇમરાન ખાને અસ્થિરતા ફેલાવવાના પ્રયાસો કર્યા છે. તેમણે કહ્યુ છે કે ઇમરાન એઓક ક્રિકેટર તરીકે રહ્યા છે. જેને જેન્ટલમેન ગેમ તરીકે ગણવામાં આવે છે. જો કે ઇમરાને બિન કુશળતાનો પરિચય આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાની વડાપ્રધાનના ભાષણને હેટ સ્પીચ તરીકે ગણાવીને વિદિશાએ કહ્યુ છે કે આ વૈશ્વિક મંચનો દુરુપયોગ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યો છે. દુનિયાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ થઇ રહ્યા છે. ભારતે ઇમરાન ખાનના નસ્લીય સંહાર, બ્લડ બાથ, નસ્લીય સર્વોચ્ચતા, બન્દુકે ઉઠાલો, છેલ્લે સુધી લડીશુ , આખરી શ્વાસ સુધી લડવામાં આવશે તેવા શબ્દોનો ઉલ્લેખ કરીને પાકિસ્તાની વડાપ્રધાનના હેટ સ્પીચના એક એક શબ્દને ગણાવ્યા હતા. ઇમરાનની મધ્યકાલીન માનસિકતા દેખાઇ રહી છે. વિદિશાએ કહ્યુ હતુ કે ઇમરાન ખાન તરફથી કરવામાં આવેલુ નિવેદન બિલકુલ ખોટુ છે.ભારતના પ્રથમ સચિવે કહ્યુ હતુ કે પાકિસ્તાની વડાપ્રધાને યુએનમાં વાત કરી છે જેથી નિરીક્ષકોને પાકિસ્તાનમાં મોકલીને તપાસ કરવામાં આવી શકે છે. માત્ર પાકિસ્તાન છે જે પ્રતિબંધ ત્રાસવાદીઓને પેન્શન આપે છે. વિદેશ મંત્રાલયના પ્રથમ સચિવે કહ્યું છે કે, પાકિસ્તાન આ બાબતને લઇને કોઇપણ વાત કરી શકવાની સ્થિતિમાં નથી કે, તેમના દેશે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા ૧૩૦ ત્રાસવાદીઓ અને ૨૫ આતંકવાદી સંગઠનોના મુખ્ય કેન્દ્ર તરીકે છે. પાકિસ્તાન આ બાબતને પણ નકારી શકવાની સ્થિતિમાં નથી કે, ૨૭માંથી ૨૦ પેરામીટરના ભંગના કારણે ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે તેને નોટિસ આપી છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ન્યુયોર્ક શહેરથી આ બાબતને પણ નકારી શકે નહીં કે, ઓસામા બિન લાદેનનો ખુલ્લો બચાવ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો હતો. ભારતે આક્ષેપ કરતા કહ્યું છે કે, ઇમરાન ખાન પોતાના જુઠ્ઠાણાથી માનવ અધિકારના ચેમ્પિયન બનવા ઇચછુક છે પરંતુ વાસ્તવિકતા એ છે કે, પાકિસ્તાનમાં લઘુમતિઓ પર અત્યાચાર જારી છે. વિદિશા મેત્રાએ કહ્યું હતું કે, ઇમરાન ખાને મિયાંજીને ભુલવા જોઇએ નહીં. વિદિશાએ ઉમેર્યું હતું કે, આ એક એવા દેશ તરીકે છે જ્યાં લઘુમતિ સમુદાયના લોકો ૧૯૪૭માં ૨૩ ટકાની સરખામણીમાં હવે ૩ ટકાની આસપાસ છે. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ની નાબૂદી અંગે વાત કરતા ભારતીય પ્રતિનિધિએ કહ્યું હતું કે, ભારતના જુના કાયદાઓને દૂર કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન દ્વારા જુઠ્ઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે. ભારત જમ્મુ કાશ્મીર અને લડાખને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા ઇચ્છુક છે. ભારતના લોકોને દુનિયામાં નફરત ફેલાવનાર અને ત્રાસવાદીઓના કેન્દ્ર રહેલા પાકિસ્તાનની સલાહની કોઇ જરૂર નથી.