ભાજપના કારોબારી પ્રમુખ જેપી નડ્ડાએ આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, બંગાળમાં જંગલરાજની સ્થિતિ રહેલી છે. રાજ્યમાં દહેશતનો માહોલ છવાયેલો છે. નડ્ડાએ પાર્ટીના કાર્યકરો માટે સામૂહિક તર્પણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. છેલ્લા થોડાક વર્ષમાં રાજ્યમાં રાજકીય હિંસામાં પ્રાણોની આહૂતિ આપનાર પાર્ટીના કાર્યકરો માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તર્પણ એક પ્રકારની ધાર્મિક વિધિ છે જેમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. નડ્ડાએ દાવો કરતા કહ્યું હતું કે, તૃણમુલ કોંગ્રેસ સરકારનો સમય પુરો થઇ ચુક્યો છે. બંગાળમાં માર્યા ગયેલા ભાજપના કાર્યકરોના પરિવારના સભ્યોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. જંગલ રાજની સ્થિતિ રહેલી છે. ટીએમસી હેઠળ બંગાળમાં દહેશતનો માહોલ રહેલો છે. ગુંડારાજ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, કાયદાનું કોઇપણ પ્રકારનું શાસન રહ્યું નથી. સામૂહિક તર્પણવિધિ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા જેપી નડ્ડાએ કહ્યું હતું કે, બંગાળમાં ભારતીય જનતા પાર્ટી તેની સ્થિતિને વધુને વધુ મજબૂત બનાવવા માટે કટિબદ્ધ છે. લોકસભાની ચૂંટણીમાં જોરદાર દેખાવ કરીને ટીએમસીના ગઢમાં ગાબડા પાડવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ બંગાળમાં ચૂંટણી પ્રચાર કરવામાં વ્યસ્ત બનેલા છે.
લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પાર્ટીના નેતાઓ ભાજપ સંગઠનને વધુ મજબૂત કરવા અને આગામી ચૂંટણીને ધ્યાનમાં લઇને અત્યારથી જ તૈયારીમાં લાગ્યા છે. જેપી નડ્ડાએ કહ્યું હતું કે, મમતા બેનર્જીના શાસનકાળમાં ચારેબાજુ અંધાધૂંધીની સ્થિતિ પ્રવર્તી રહી છે. કાયદાનું શાસન રહ્યું નથી. ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે લોકસભા ચૂંટણી વેળા વ્યાપક હિંસા થઇ હતી.