રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં શનિવારે ‘ખંડેરી’ સબમરીન ભારતીય નેવીમાં સામેલ થઈ ગઈ છે. સબમરીન આઈએનએસ ખંડેરીનો નેવીમાં સમાવેશ કરવાથી ભારતીય નેવીને સાઈલેન્ટ કિલરની તાકાત મળી ગઈ છે. તે ભારતની બીજી સ્કાર્પિયન વર્ગની મારક સબમરીન છે. જેને ઁ-૧૭ શિવાલિક વર્ગના યુદ્ધ જહાજ સાથે નેવીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ખાસ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથસિંહ હાજર રહ્યા હતા. સાઈલન્ટ કિલર તરીકે ઓળખાતી આઈએનએસ ખંડેરી પાણીમાં દુશ્મન પર સૌથી પહેલા હુમલો કરવાવાળી કલવરી શ્રેણીની બીજી ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરીન છે. નેવીમાં તેનો સમાવેશ થવાથી હવે સમુદ્ર માર્ગે દુશ્મન દેશ ભારત તરફ આંખ ઉઠાવીને જોવાની પણ હિંમત નહીં કરી શકે. ૩૦૦ કિલોમીટર દૂર આવેલા દુશ્મનના જહાજને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવનારી આઈએનએસ ખંડેરી સબમરીન દુશ્મનો માટે કાળ સ્વરૂપ છે. ખંડેરી સબમરીન ભારતીય સમુદ્રી સીમાની સુરક્ષા કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. અત્યાધુનિક ટેક્નોલોજીથી ભરપૂર ખંડેરીમાં ટોરપીડો અને એંટિશિપ મિસાઈલ્સ પણ રાખવામાં આવશે. તે પાણીથી પાણી અને પાણીથી કોઈ પણ યુદ્ધ જહાજને જમીનદોસ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. ખંડેરી પાણીની અંદર ૪૫ દિવસ સુધી રહી શકે છે. આ સબમરીન એક કલાકમાં ખૂબ જ સરળતાથી ૩૫ કિલોમીટરનું અંતર કાપી શકે છે.
૬૭ મીટર લાંબી, ૬.૨ મીટર પહોળી અને ૧૨.૩ મીટરની ઉંચાઈ ધરાવતી આ સબમરીનનું કુલ વજન ૧૫૫૦ ટન છે. જેમાં ૩૬થી વધારે નેવી જવાનો રહી શકે છે. દુશ્મન સેનાના છક્કા છોડાવવાની ક્ષમતા ધરાવનારી ખંડેરી સમુદ્રમાં ૩૦૦ મીટરના ઉંડાણ સુધી જઈ શકશે. તેમજ કોઈ પણ રડાર આની ભાળ ક્યારેય નહીં મેળવી શકે.
એક વખત પાણીમાં ઉતર્યા બાદ ખંડેરી ૧૨,૦૦૦ કિલોમીટરનું અંતર કાપી શકે છે. તે બેટરી પર ચાલનારી સબમરીન છે. લાંબા સયમ સુધી પાણીમાં રહેવા માટે તેમાં ૭૫૦ કિલોની ૩૬૦ બેટરી લગાવવામાં આવી છે. બેટરીને ચાર્જ કરવા માટે તેમાં ૧૨૫૦ વોટ્સના બે ડીઝલ જનરેટર પણ લગાવવામાં આવ્યા છે.
ખંડેરી સબરીનમાં રેડાર, સોનાર, એન્જીન સહિતના નાના-મોટા ૧,૦૦૦થી વધારે ઉપકરણો લગાવવામાં આવ્યા છે. તેમ છતા પણ તે પાણીમાં અવાજ ન થાય તે રીતે પાણીમાં ચાલી શકવાની ક્ષણતા ધરાવે છે. તે પાણીમાં ચાલનારી વિશ્વની સૌથી શાંત સબમરીન્સમાંથી એક છે. જેથી તે રડારમાં સરળતાથી નથી પકડાઈ શકતી અને તેથી જ તેને ‘સાઈલેન્ટ કિલર’ પણ કહેવામાં આવે છે.