દુનિયાના સૌથી ઓછા ટેક્સ માળખું ધરાવતા દેશોમાં ભારતે મેળવ્યું સ્થાન : કૃષિ મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા

744

મોદી સરકારના નેતૃત્વમાં કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને કેટલાક ઐતિહાસિક નિર્ણય લીધા છે. જેનાથી દેશના અર્થતંત્રને પ્રોત્સાહન મળ્યું છે. ૨૦૧૪માં ભારત દુનિયામાં સૌથી વધુ ટેક્સ રેટ ધરાવતો દેશ હતો પરંતુ હવે કેન્દ્ર સરકારે કૉર્પોરેટ ટેક્સ ઓછો કરીને ૨૨ ટકા કરી દીધો છે. આ ઉપરાંત નવા ઉભા થતાં ઉત્પાદન એકમો માટે કૉર્પોરેટ ટેક્સ ૧૫ ટકા કરી દેવામાં આવ્યો છે. જેનાથી હવે દુનિયાના સૌથી ઓછા ટેક્સ માળખા ધરાવતા દેશોમાં ભારતે સ્થાન મેળવ્યું છે. કેન્દ્ર સરકારે અર્થતંત્રને પાટે ચડાવવા સમયસર અસરકારક પગલાં લેવાનું ચાલુ કરી દીધું છે.

રુપાલાએ વધુમાં જણાવ્યું કે હાલમાં ચીન અને અમેરિકા વચ્ચેના ટ્રેડ વોરને કારણે જે કંપનીઓએ ચીનમાં રોકાણ કર્યું હતું તે હવે અન્ય દેશો તરફ વળી રહી છે. જેના કારણે ભારતમાં અન્ય દેશોનું મૂડીરોકાણનું પ્રમાણ વધી રહ્યું છે. બીજા અર્થમાં કહીએ તો ભારત મૂડીરોકાણ માટેનો આદર્શ દેશ બન્યો છે.

બેંકના મર્જર વિશે જણાવતા કૃષિ મંત્રી  રુપાલાએ જણાવ્યું કે સાર્વજનિક ક્ષેત્રની ૧૦ બેંકોનું વિલીનીકરણ કરી ૪ બેંક બનાવવામાં આવી છે.  આમ કરવાથી દેશમાં બેંકોની સંખ્યા જે વર્ષ ૨૦૧૭માં ૨૭ હતી તે હવે ૧૨ થઇ જશે એમ આજ રોજ અમરેલી ખાતે આયોજીત પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી  પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું.

મંત્રી  વધુમાં જણાવ્યું કે સરકાર બજારમાં ૫ લાખ કરોડ રૂપિયાની લિક્વિડિટી વધારવાના હેતુથી સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં ૭૦,૦૦૦ કરોડ રૂપિયા જમા કરશે, જેનાથી કોર્પોરેટ છૂટક ઉધાર લેનારાઓ, એમ.એસ.એમ.ઈ. તથા નાના વેપારીઓ વગેરેને લાભ થશે. તેમણે કહ્યું કે સરકારે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે તમામ ઈલેક્ટ્રિક વાહનો પર જીએસટી રેટ ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરી દીધો છે. પરિણામે ઈલેક્ટ્રોક વાહનોની માંગમાં વધારો થયો છે, જે પર્યાવરણ માટે પણ લાભદાયક છે. ગુજરાતમાં ડાયમંડ ઉદ્યોગ મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડે છે અને તેને પ્રોત્સાહન આપવા માટે ડાયમંડ ક્ષેત્રમાં જીએસટી ૫ ટકાથી ઘટાડી ૧.૫ ટકા કરવામાં આવ્યો છે. આ તમામ પગલાઓને કારણે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના ૨૦૨૪ સુધીમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સ્વપ્ન તરફ ભારત આગળ વધશે. ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવામાં મદદ મળશે. ભારત વૈશ્વિક પડકારો સામે ટકી રહેવામાં સક્ષમ બનશે. પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અર્થતંત્ર સામેના તમામ પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણ સજ્જ છે. હાલમાં લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણયોને કારણે દેશના અર્થતંત્રમાં એક લાંબા ગાળાની તેજી જોવા મળશે.

આ પ્રસંગે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા તથા અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleવરસાદ વચ્ચે કચ્છ આશાપુરા માંના દર્શન માટે ભારે ધસારો
Next articleસૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ છવાયો : સાસણગીરમાં છ ઇંચ