નવલી નવરાત્રિ ઉત્સવની આજથી ભવ્ય શરૂઆત

561

જેની ઉત્સુક્તાપૂર્વક ખેલૈયાઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે નવરાત્રી ઉત્સવની આવતીકાલથી પરંપરાગત રીતે ભવ્ય શરૂઆત થઈ રહી છે. નવરાત્રી ઉત્સવની મજા માણવા માટે ખેલૈયાઓ છેલ્લા ઘણા સમયથી ઉત્સુક હતા અને આ ઉત્સક્તાનો હવે અંત આવી ગયો છે. છેલ્લા ઘણા દિવસથી આની પ્રેક્ટીસ પણ કરવામાં ખેલૈયાઓ વ્યસ્ત હતા. અમદાવાદ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ નવરાત્રિ ઉત્સવનું દર વર્ષની જેમ આયોજન કરાયું છે જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં ભાગ લેશે. આવતીકાલથી મા જગંદબા, મા આદ્યશકિતની પૂજા અને આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રિનો ભવ્ય પ્રારંભ થઇ રહ્યો છે, જેને લઇ માંઇભકતોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો છે. નવરાત્રિ એટલે માં જગદંબાની આરાધનાનું મંગલમય પર્વ. શક્તિપૂજા એ આપણી સંસ્કૃતિની આગવી અને ઉજ્જ્વળ પરંપરા છે. નવરાત્રિના નવલા પર્વમાં શક્તિ સ્વરૂપ માં જગદંબા પ્રત્યે શ્રદ્ધા ભક્તિ ધરાવનાર ભાવિક નર-નારીઓ શક્તિની આરાધના-ઉપાસના કરે છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં, આસો, મહા, ચૈત્ર અને અષાઢ એમ ચારનવરાત્રિનો મહિમા ગવાયો છે. એમાં શક્તિ ઉપાસના માટે આસો-નવરાત્રિનું મહત્ત્વ અધિક ફળદાયી મનાયું છે. આવતીકાલે તા.૨૯મી સપ્ટેમ્બરે પ્રથમ નોરતે ઘટ સ્થાપનનું શુભ મૂર્હુત જોઇએ તો, સવારે ૬-૧૬થી ૭-૪૦ સુધી(એક કલાક અને ૨૪ મિનિટ) અને અભિજિત મૂર્હુત સવારે ૧૧-૪૮થી બપોરે ૧૨-૩૫ વાગ્યા સુધી(૪૭ મિનિટ સુધી)નું રહેશે. આસો સુદ એકમથી, આસો સુદ નોમ સુધી, નવરાત્રિના આ નવલા દિવસોમાં ભારતભરના અને વિદેશમાં વસતા પ્રત્યેક ભારતીય દેવી ઉપાસક પરિવારોમાં ભક્તિશ્રદ્ધાપૂર્વક ઘટસ્થાપન સહિત માતાજીની પૂજા-આરાધના થશે, પ્રાતઃ અને સાયંકાલીન આરતી થશે. મંગળ ગીતો અને ગરબા ગવાશે અને સૌ ભક્તજનો આ મંગલમય, મંગલકારી અને ધર્મોલ્લાસના, નવરંગોથી મઢેલા, ભક્તિ અને શક્તિના સમન્વયરૂપ, અનેરા-અનોખા મહોત્સવમાં મહાલશે અને મન મૂકીને માણશે. નવરાત્રિના આ નવલા દિવસોમાં, આસો સુદ એકમના દિવસે, શુભમુહૂર્તમાં મા જગદંબાની મંગલકારી મૂર્તિનું (કોઇપણ સ્વરૂપે) ભાવિક ભક્તજનોને ત્યાં ઘટસહિત સ્થાપન કરવા-કરાવવામાં આવે છે. અખંડ ધૂપ-દીપ સમન્વિત પંચોપચાર, ષોડશોપચાર કે રાજોપચાર પૂજન અર્ચન સહિત ચંડીપાઠ પઠન પણ થાય છે. વિશેષમાં પ્રત્યેક રાત્રિએ શેરીઓમાં અને ચુનંદા પાર્ટી પ્લોટ્‌સમાં મનોરંજક રાસ-ગરબાનું વિવિધ મંડળો દ્વારા ધમાકેદાર આયોજન કરાય છે. જે, આબાલવૃદ્ધ સૌ કોઇ માટે મનોહર બની રહે છે. દેવોની આરાધનાથી અને સંકલ્પબળના પ્રભાવથી પ્રગટેલા, માની આરાધનાનાં મુખ્યત્વે ત્રણ સ્વરૂપો છે. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી, તદુપરાંત જગતમાં અન્ય માતૃકાઓનો પણ ઉદભવ થયો. તેના મહાત્મ્યના સાર રૂપ, ચંડીપાઠ જે સપ્તશતી નામે ઓળખાય છે, જે સાતસો શ્લોકોનો માનાં વિવિધ સ્વરૂપોનું ગુણગાન કરતો સમૂહ છે. તેનું રસપાન પણ, માનાં સાંનિધ્યની ઝાંખી કરાવી જાય છે. માં જગદંબાની ઉપાસનામાં નવરાત્રિપર્યંત આ ચંડીપાઠનું મહત્ત્વ પણ અનન્ય મનાય છે. નવરાત્રિપર્યંત માનાં વિવિધ સ્વરૂપો પૈકી કોઇ એક સ્વરૂપની ઉપાસના હૃદયના શુદ્ધભાવથી તથા અનન્ય ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરવાથી, ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. એનાં ઘણાં દૃષ્ટાંતો ધર્મ-ઇતિહાસમાં પણ જોવા મળે છે. રાજરાજેશ્વરી માં જગદંબાનાં નવરાત્રિપર્યંતનાં પૂજન, અર્ચન, આરાધના અને સાધનામાં વિવિધ સ્વરૂપોનો મહિમા શાસ્ત્રસૂચિત મનાય છે. મૂળભૂત રીતે શક્તિ તત્ત્વ એક જ છે. સ્વરૂપ ભિન્ન ભિન્ન હોઇ શકે. આ તત્ત્વ ઉપાસક માટે, સાધક માટે કોઇપણ સ્વરૂપે શ્રદ્ધાનું કેન્દ્ર બની રહે તે જરૂરી છે. સાચા અંતઃકરણથી, તન-મનની શુદ્ધતાથી, પૂજન- અર્ચન- આરાધના- સાધના કરીએ તો, માં જગદંબાની મંગલમય અને મંગલકારી મૂર્તિનું સ્થાપન હૃદય મંદિરમાં અવશ્ય થઈ શકે. અને તે થકી, ઉપાસક-સાધકની નવરાત્રિ ઉપાસના અવશ્ય ફળદાયી બની શકે.

 

Previous articleનવરાત્રી ઉત્સવને શાંતિપૂર્ણ પાર પાડવા પોલીસ સુસજ્જ
Next articleજરખીયા ગામની શાળાના વર્ગો મર્જ કરવા બાબતે ગ્રામજનો દ્વારા તાળાબંધી કરાઈ