શહેરના ભરતનગરની શાકમાર્કેટથી રીંગરોડને જોડતા રસ્તા પર આજે મહાપાલિકાએ ઓપરેશન ડિમોલેશન હાથ ધર્યુ હતુ. જેના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. તો નવરાત્રી અને દિવાળીના દિવસો માથા પર હોય તંત્રની કાર્યવાહીનો વિરોધ પણ થયો હતો. આથી હાલમાં રોડના કામમાં નડતરરૂપ દબાણોને હટાવા પ્રાથમિકતા આપવી તેમ નક્કી થયુ હતુ. મ્યુનિ. રોડ વિભાગ દ્વારા ભરતનગર પોલીસ ચોકીથી શરૂ કરી શાકમાર્કેટ થઇ રીંગરોડને જોડતા હયાત રસ્તાને સેન્ટ્રલ ડીવાઇડર સાથે ૧૬ મીટર પહોળો બનાવી ફોરલેન કરવા આયોજન ઘડાયું છે અને ટેન્ડર મંજૂર કરી એજન્સીને વર્કઓર્ડર પણ આપી દેવાયો છે. આથી ફોરલેન રોડના કામમાં નડતરરૂપ દબાણ હટાવવા ટીડીઓ સુરેશ ગોઘવાણી અને સ્ટાફ આજે ચાર જેસીબી સાથે પહોંચ્યો હતો અને દબાણ હટાવ હાથ ધરેલ. લોકોના વિરોધ થવાની સંભાવનાના પગલે પોલીસ બંદોબસ્ત પણ મેળવાયેલ. દરમિયાનમાં નવરાત્રી અને દિવાળીના તહેવારોને ધ્યાને લઇ હાલ રાહત આપવા શહેર ભાજપના મહામંત્રી રાજુભાઇ બાંભણીયાએ તંત્રને મનાવ્યુ હતુ. આથી હાલ રોડના કામમાં નડતરરૂપ છે એ જ દબાણો હટાવવા તંત્રએ પ્રાથમિકતા રાખી હતી. ત્રણમાળીયા હાઉસિંગ બોર્ડ વસાહતમાં ગેરકાયદે દુકાનો, મકાન, કમ્પાઉન્ડ વોલ વિગેરે મળી ૧૦૦ જેટલા દબાણો હોવાનું તંત્રના સર્વેમાં ધ્યાને આવ્યું છે. જે પૈકી હાલમાં ૧૬ મીટરના દાયરામાં આવતા દબાણો પર તંત્રે બુલડોઝર ફેરવ્યુ હતુ તો ઘણાએ સ્વૈચ્છીક રીતે દબાણો હટાવ્યા હતા. મ્યુનિ. રોડ વિભાગના ઇજનેર મકવાણાએ જણાવ્યું હતું કે, દબાણ હટાવ કામગીરી પુર્ણ થતા જ ફોરલેન રોડને આનુસાંગિક કામગીરીના શ્રીગણેશ કરી દેવાશે.