માં આધ્યશક્તિની ભક્તિ અને આરાધના કરવાવનાં પર્વ નવરાત્રી મહોત્સવનો આગામી તા.૨૯ને રવિવારથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે નવરાત્રીની ઉજવણી કરવા માટેની ભાવનગરમાં તડાપાર તૈયારીઓ ચાલી રહી છે. નવરાત્રી પર્વને ઉજવવા માયભક્તો અને ખેલૈયાઓ થનગની રહ્યા છે ત્યારે બજારમાં ખેલૈયાઓ દ્વારા ચણીયા ચોળી, સહિત નવરાત્રિને અનુરૂપ પોષાકોની ખરીદી શરૂ કરી હોવા ઉપરાંત ઘરે ઘરે રખાતા ગળ્યા બનાવવા તથા તેની સજાવટ કરીને વેચવાની કુંભાર પરિવારો દ્વારા પણ તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે જ્યારે સંધેડીયાઓ દ્વારા દાંડીયા બનાવવાની કામગીરી પણ પૂરજોશમાં આરંબી અને પૂર્ણનાનાં આરે છે ત્યારે ખેલૈયાઓ પણ નવરાત્રીનાં નવા નવા સ્ટેપ શીખવાની ગૃપમાં પ્રેક્ટીશ કરી રહ્યા છે. શહેરમાં નવરાત્રી રાસ-ગરબાનાં સ્ટેપ શીખવવા આજેનાં અનેક કલાસ શરૂ થઈ ગયા છે જેમાં યુવાનો અને યુવતીઓ ગૃપમાં નવા સ્ટેપ શીખી રહ્યા છે. તો માયભક્તો કેમ પાછળ રહી જાય. તેઓએ પણ ગરબી શણગારવાનો તેમજ મઢ તૈયાર કરવાનો પ્રારંભ કરી દીધો છે. આમ માતાજીનાં નવલી નવરાત્રીને ઉમંગભેર ઉજવવા તમામ સ્તરે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તસવીર : મનીષ ડાભી