પૂર્વ ભારતીય કેપ્ટન શાંતા રંગાસ્વામીએ બીસીસીઆઈના આચરણ અધિકારી ડીકે જૈન દ્વારા હિતોના ટકરાવની નોટિસ મળ્યા બાદ ક્રિકેટ સલાહકાર સમિતિ સભ્ય અને ભારતીય ક્રિકેટ સંઘ ના ડાયરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. રંગાસ્વામીએ કહ્યું, ’મારી કેટલિક અન્ય યોજનાઓ છે તેથી મેં આગળ વધવાનો નિર્ણય કર્યો છે. સીએસીની આમ પણ એક વર્ષ કે બે વર્ષમાં એકવાર બેઠક થાય છે તેથી મને ટકરાવની વાત સમજાતી નથી.’તેમણે કહ્યું, ’સીએસી સમિતિમાં હોવુ સન્માનની વાત છે.
હાલની પરિસ્થિતિઓમાં (હિતોના ટકરાવને જોતા) મને લાગે છે કે કોઈપણ વ્યવસ્થાપક ભૂમિકા માટે યોગ્ય પૂર્વ ક્રિકેટને શોધવા મુશ્કેલ થશે. આઈસીએમાંથી તો હું ચૂંટણી થતાં પહેલા રાજીનામું આપી દેત. તેથી આ સમયની વાત છે.’રંગાસ્વામી સિવાય સીએસીમાં કપિલ દેવ અને અંશુમન ગાયકડાવ સામેલ હતા. રંગાસ્વામીએ પોતાનું રાજીનામું સવારે પ્રશાસકોની સમિતિ (સીઓએ) અને બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રાહુલ જૌહરીને ઈમેલના માધ્યમથી મોકલ્યું છે.
બીસીસીઆઈના આચરણ અધિકારી ડીકે જૈને શનિવારે સીએસીને નોટિસ મોકલીને હાલના ભારતીય કોચની પસંદગી કરનાર પૂર્વ ક્રિકેટરોને તેની વિરુદ્ધ લાગેલા હિતોના ટકરાવના આરોપોનો જવાબ ૧૦ ઓક્ટોબર સુધી આપવાનું કહ્યું હતું.
મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘના આજીવન સભ્ય સંજીવ ગુપ્તાએ આ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, જેણે ઓગસ્ટમાં મુખ્ય કોચ પદ માટે રવિ શાસ્ત્રીને પસંદ કર્યો હતો. બીસીસીઆઈના બંધારણ અનુસાર કોઈપણ વ્યક્તિ એક સમયમાં એકથી વધુ પદ પર રહી શકતો નથી. ફરિયાદી ગુપ્તાએ દાવો કર્યો હતો કે સીએસીના સભ્ય અન્ય ક્રિકેટમાં ભૂમિકા નિભાવી રહ્યાં છે.