સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯માં દેશમાં ઠેઠ ૭૯મા ક્રમાંકે ઘકેલાયેલા વડોદરા શહેરને ટોપ ૧૦માં લાવવાની વાતો સુફિયાણી સાબિત થઇ રહી છે. સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ના પ્રથમ બે ક્વાર્ટરનાં પરિણામ જાહેર થવાની ઘડીઓ ગણાઇ રહી છે, ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને પાલિકાએ તેની ગંભીરતાપૂર્વક સફાઇ કરવાની તસદી લીધી નથી.એક સમયે દેશમાં ૧૦માં નંબરના સ્વચ્છ શહેર તરીકે વડોદરાની ગણના થઇ હતી, પરંતુ ૧૩માં અને પછી ૪૪માં નંબરે ધકેલાઇ ગયું હતું. ૨૦૧૯ના સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરા પાલિકાની કામગીરીને ૭૯માં રેન્કિંગે લપડાક મારી હતી. આ લપડાકમાંથી પાલિકાએ બોધપાઠ લેવાના બદલે જેવું ચાલે છે તેવું ચાલ્યા કરે તેવી નીતિ અપનાવી છે. સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦માં પહેલી વખત દર ત્રણ મહિને સરવે કરવાનું નક્કી થયું છે અને ૬૦૦૦ માર્ક્સમાંથી ૧૦૦૦ માર્ક્સની ચકાસણીવાળું પરિણામ ત્રણ મહિના માટે જાહેર કરવામાં આવનાર છે.
એપ્રિલથી જૂન અને જુલાઇથી સપ્ટેમ્બર એમ બે ક્વાર્ટરની તપાસણી માટે કેન્દ્રની ટીમ ચાર દિવસ સુધી વડોદરા આવી હતી અને આ ટીમે માત્ર પાલિકાના નોડલ અધિકારીને તેની જાણ કરી હતી. આ ટુકડીએ શહેરના બગીચાઓ, રસ્તાના ખૂણે મૂકેલી ડસ્ટબિન,એસટીપીની ચકાસણી કરી હતી અને તેના ફોટોગ્રાફસ અપલોડ કરીને પાલિકાના દસ્તાવેજો સાથે સરખામણી કરી છે.ન્યાયમંદિરની ઐતિહાસિક ઇમારતની પાસે જ વરસાદી પાણીનો ભરાવો થઇ જાય છે અને ત્યાં જ કચરો ઠલવાઇ રહ્યો છે. શહેરની આગવી ઓળખ સમા ન્યાયમંદિરની સામે જ કચરો સાફ કરવાની પરવા પાલિકાએ લીધી નથી અને તેના કારણે ઐતિહાસિક ધરોહરની ઓળખને ધક્કો લાગે તેવી સ્થિતિ ઉભી થઇ છે.