બિહાર જળબંબાકાર : ઘણા વિસ્તારમાં ૮ ફુટ સુધી પાણી

391

બિહારમાં ભારે વરસાદ અને પુરના કારણે હાલત કફોડી બનેલી છે. હજુ સુધી ૨૦થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ભારે વરસાદના કારણે રેલ અને પરિવહનની વ્યવસ્થા ઠપ થઈ ચુકી છે. પાટનગર પટણામાં હાલત કફોડી બનેલી છે. ચારેય બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે. મકાનો, સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા છે. મંત્રીઓ અને નેતાઓના આવાસ પર પાણી ઘુસી ગયા છે. મુખ્યમંત્રી નિતિસ કુમારે કહ્યું છે કે, આવી સ્થિતિ કોઈના પણ હાથમાં નથી. આ કુદરતી હોનારત છે અને સ્થિતિને પહોંચી વળવા પ્રયાસ કરી રહ્યા છે. સતત ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયેલું છે. પટણામાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. હાલત એટલી ખરાબ થઈ છે કે,પટણાના પોશ ગળાતા વિસ્તારમાં હોળીઓ ચાલી રહી છે. બોટ ફરતી થઈ ગઈ છે. મુખ્યમંત્રી નિતિસ કુમારનું કહેવુ છે કે, રાજ્ય વહીવટી તંત્ર સંપૂર્ણ પણે સજ્જ છે અને કામગીરીમાં લાગેલું છે. હવામાન વિભાગના કહેવા મુજબ ૧૫ જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. કારણ બિલકુલ સ્પષ્ટ છે કે, હજુ પણ સ્થિતિ બેકાબુ બની શકે છે. પટણાના અનેક વિસ્તારોમાં આઠ ફુટ સુધીના પાણી ભરાઈ ગયા છે. ગાડીઓ ડુબી ગઈ છે. બચાવ અને રાહતકામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ગંગા અને ગંડક નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તર પર પહોંચી ગઈ છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં સ્કુલો અને કોલેજોને બંધ રાખવાની ફરજ પડી રહી છે.

લોકોના કમર સુધી પાણી ભરાઈ ગયા છે. બીજી બાજુ મુશ્કેલમાં મુકાયેલા લોકોને સુરક્ષિત રીતે અન્યત્ર ખસેડવાનો પ્રયાસ કરવામાં આવી રહી છે. એક બાજુ બિહારમાં ૨૦ લોકોના મોત થઈ ચુક્યા છે. ઉત્તર પ્રદેશમાં પણ હાલત કફોડી બનેલી છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદના લીધે ૫૦થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી તંત્ર દ્વારા આપવામાં આવી હોવાના કારણે સ્કુલ અને કોલેજોને બંધ રાખવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે.  ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં છેલ્લા ત્રણ દિવસથી અતિભારે વરસાદ થઇ રહ્યો છે જેથી જનજીવન સંપૂર્ણપણે ખોરવાયું છે. શહેરના જુના વિસ્તારોથી લઇને વીઆઈપી વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. ઉત્તર પ્રદેશમાં ૫૦થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. દેશના કેટલાક ભાગોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ભારે વરસાદ થયો છે. સામાન્યરીતે પહેલી સપ્ટેમ્બરથી મોનસુનની વાપસીનો ગાળો શરૂ થઇ જાય છે પરંતુ આ વખતે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી ભારે વરસાદ જારી રહેવાની શક્યતા દેખાઈ રહી છે.પટણામાં છેલ્લા કેટલાક દિવસથી અતિભારે વરસાદ થઇ રહ્યો છે. હંમેશા ભરચક રહેતા પટણાના માર્કેટમાં સન્નાટો ફેલાઈ ગયો છે. નાલંદા મેડિકલ કોલેજમાં પણ પાણી ભરાઈ ગયા છે જેથી દર્દીઓની સાથે સાથે અન્યોને પણ તકલીફ થઇ રહી છે. પટણાના લોકપ્રિય ડાક બંગલા ચાર રસ્તા પર ઘુંટણ સુધીના પાણી ભરાયા છે. અનેક વૃક્ષો અને મકાનો ધરાશાયી થવાના બનાવો બન્યા છે.  બિહારમાં હજુ બે ત્રણ દિવસ સુધી સ્થિતિમાં સુધારો થશે નહીં.

Previous articleસ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડ્યાઃ વડોદરામાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય
Next articleમુખ્યમંત્રીના હસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ટેબ્લેટ વિતરણ સહિતના કાર્યક્રમ