કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કલમ ૩૭૦ને ખતમ કરવાના નિર્ણયની ચર્ચા કરતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કાશ્મીરના ઈતિહાસને પહેલા તોડીને ચેડા કરીને દેશની સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. કારણ કે, જે લોકોની ભુલો હતી તેમના હિસ્સામાં ઈતિહાસ લખવા માટેની જવાબદારી આવી હતી. આ લોકોએ પોતાની ભુલોને છુપાવીને જનતાની સામે ઇતિહાસ રજુ કર્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે, ઇતિહાસને યોગ્ય રીતે રજુ કરવાનો સમય આવી ગયો છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું હતું કે, હવે તમામ બાબતોને સુધારીને આદર્શ ઇતિહાસ લખવાની જરૂર છે. તમામ સાચી બાબતોને લોકોની સમક્ષ રજુ કરવાની જરૂર છે. ભાજપ શરૂઆતથી એક દેશ અને એક બંધારણની તરફેણમાં છે. આજે પૂર્વ સરકારી અધિકારીઓ માટે આયોજિત કાર્યક્રમમાં અમિત શાહે કલમ ૩૭૦ને દુર કરવાના નિર્ણયને ઐતિહાસિક તરીકે ગણાવીને આની પ્રશંસા કરી હતી. શાહે કહ્યું હતું કે, ભાજપ અને તેમના સાથી પક્ષો શરૂઆતથી જ કલમ ૩૭૦ને દુર કરવા માટે અનેક અભિયાનો ચલાવી રહ્યા હતા. આને રાજકીય નિર્ણય ગણાવનાર વિરોધ પક્ષોની જોરદાર ઝાટકણી કાઢતા શાહે કહ્યું હતું કે, વિરોધ પક્ષો સંકુચિત વિચારધારા ધરાવે છે. ભાજપ જ્યારથી અસ્તિત્વમાં છે ત્યાંરથી જ એક દેશ એક બંધારણની વાત કરે છે. શાહે ખાતરી આપતા કહ્યું હતું કે, કાશ્મીરી લોકો ઉપર ક્યારેય પણ ગોળી ચાલશે નહીં. કલમ ૩૭૦ પર ભાજપના વલણને લઈને પ્રશ્નો થઈ રહ્યા છે ત્યારે અમિત શાહે કહ્યું હતું કે, પાર્ટી તરફથી કલમ ૩૭૦ની નાબુદી માટે લાંબા સમયથી પ્રયાસો કરવામાં આવ્યા છે.
અમે માત્ર બોલતા નથી પરંતુ કઠોર નિર્ણયો પણ કરવામાં વિશ્વાસ રાખીએ છીએ. વિતેલા વર્ષોમાં કલમ ૩૭૦ની નાબુદી માટે અનેક વખત આંદોલન પણ કરવામાં આવી ચુક્યા છે. જ્યાં સુધી કલમ ૩૭૦ને દુર કરવામાં આવી ન હતી ત્યાં સુધી ૧૧ અલગ અલગ આંદોલન થયા હતા. ભાજપ અને તેના સાથી પક્ષોએ સામુહિક કાર્યક્રમો યોજ્યા હતા. રાજકીય ઈરાદા સાથે કલમ ૩૭૦ને દુર કરવામાં આવી નથી. કોંગ્રેસ પાર્ટી ઉપર પ્રહાર કરતા શાહે કહ્યું હતું કે, જ્યારે ભારતીય સેના સતત જીત મેળવી રહી છે ત્યારે યુદ્ધ વિરામની વાત કરવાથી કોઈ અર્થ રહેતો નથી.
જમ્મુ કાશ્મીરને ભારતનો હિસ્સો બનાવવામાં અગાઉની સરકારો હિંમત કરી શકી ન હતી. યુએન જવા માટેનો નિર્ણય તત્કાલિન વડાપ્રધાન જવાહર લાલ નહેરુ દ્વારા લેવામાં આવ્યો હતો. આ નહેરુનો વ્યક્તિગત નિર્ણય હતો. આ નિર્ણય હિમાલય કરતા પણ મોટી ભુલ તરીકેના નિર્ણય તરીકે છે.