ધારી : દીપડાએ ખેતમજૂર સાળા-બનેવીને ફાડી ખાધા

887

અમરેલી જિલ્લાના ધારીના મોણવેલ ગામે એક માનવભક્ષી દિપડાએ ખેતમજૂર એવા સાળા-બનેવીનો શિકાર કરી ફાડી ખાતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ગામની સીમમાંથી દીપડાએ ખાધેલી હાલતમાં આ બંને યુવકોના મૃતદેહ મળી આવતાં સ્થાનિક ગ્રામજનોમાં ભારે અરેરાટની લાગણી ફેલાઇ ગઇ હતી તો સાથે સાથે માનવભક્ષી દિપડાને લઇ હવે સમગ્ર પંથકમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે.

બનાવની જાણ થતાં સ્થાનિક વનવિભાગના અધિકારીઓ તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને સમગ્ર મામલાની તપાસ કર્યા બાદ હવે માનવભક્ષી દિપડાને પાંજેર પૂરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમરેલી જિલ્લાના ધારીના મોણવેલ ગામે કરસનભાઇ ભીખાભાઇ સાગઠીયા અને ભૂટાભાઇ અર્જુનભાઇ વાળા બંને એક જ વાડીએ રહી ખેતમજૂરીનું કામ કરતા હતા. ગત રાત્રે બંનેનો દીપડાએ શિકાર કર્યો હોવાનું મનાઇ રહ્યું છે. કરસનભાઇ અને ભૂટાભાઇ બંને સાળા-બનેવી થતા હતા અને બંનેના મૃતદેહ ગામની સીમમાંથી દિપડાએ ફાડી ખાધેલી હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને સ્થાનિક ગ્રામજનો અને મહિલાઓ, બાળકોમાં માનવભક્ષી દિપડાને લઇ ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. આ બંને યુવાનો ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ માનવભક્ષી દીપડાનો શિકાર બનતા તેમના પરિવારમાં શોકનો માતમ છવાયો હતો. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ દોડી આવી હતી અને બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બીજીબાજુ, વનવિભાગે દીપડાની શોધખોળ હાથ ધરી તેને પાંજરે પૂરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Previous articleસિંગલ યુઝ પ્લાસ્ટિકની સામે અભિયાન છેડવાનો અનુરોધ
Next articleરાજયમાં રાસ અને ગરબાના આયોજનો પાણીમાં ધોવાયા