ગુજરાતમાં મેઘકહેર : ભાણવડમાં આઠ ઇંચથી વધુ વરસાદ

411

ગુજરાત ક્ષેત્ર અને સૌરાષ્ટ્ર  તેમજ કચ્છમાં મોનસુન જોરદારરીતે સક્રિય થયુ છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો છે. ભાણવડમાં કલાકના ગાળામાં જ આઠ ઇંચ સુધીનો વરસાદ ખાબકી જતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. બીજી બાજુ ખંભાળીયામાં બે કલાકના ગાળામાં જ પાંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. માણવદરમાં ચાર ઇંચથી વધુ વરસાદ થયો છે. ટંકારામાં સાળા ત્રણ ઇંચથી વધુ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો છે. કલ્યાણપુરમાં ૩.૫ મીમીથી વધુ વરસાદ થયો છે. વથંલીમાં પણ ભારે વરસાદ થયો છે. ગીરસોમનાથમાં અતિભારે વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સવત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. બીજી બાજુ પાટણમાં છ કલાકમાં આઠ ઇંચ સુધીનો વરસાદ થઈ ગયો છે. રાજકોટ સહિતના સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં મેઘમહેર જારી રહેતાં હવે લોકો પણ મેઘરાજાને ખમૈયા માટે મનામણાં કરતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોને કપાસ, મગફળી સહિતના પાકની નુકસાનીને લઇ ચિંતામાં ગરકાવ બન્યા છે અને પોતાના પાકની નુકસાનીને લઇ હવે સરકાર સમક્ષ વળતરની માંગણી કરી રહ્યા છે. આજે પણ રાજકોટ, ગીર-સોમનાથ, જૂનાગઢ, વેરાવળ, જામકંડોરણા, માંગરોળ, પોરબંદર, ભાવનગર, ગીરનાર, જેતપુર સહિતના અનેક પંથકોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. આ તમામ પંથકોમાં સરેરાશ બેથી નવ ઇંચ સુધીનો સરેરાશ વરસાદ નોંધાયો હતો. તો, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરા તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ચારથી ૧૪ ઇંચ સુધીનો વરસાદ નોંધાતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. અનેક ગામો અને પંથકો જાણે કે, બેટમાં ફેરવાયા હતા. તો, ઉત્તર ગુજરાતના પંથકોમાં પણ જાણે મેઘકહેરની જેમ વરસાદ વરસ્યો હતો. પાટણમાં માત્ર છ કલાકમાં સાત ઇંચ વરસાદથી જળબંબાકાર અને બેટની સ્થિતિ સર્જાઇ હતી. તો, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા સહિતના અનેક પંથકોમાં પણ ભારે વરસાદને લઇ સ્થાનિક નદી-નાળા છલકાયા હતા અને વિસ્તારો જળમગ્ન બન્યા હતા. રાજકોટમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. મોરબીના ટંકારામાં પણ ચાર ઇઁચ, માણાવદરમાં ત્રણ ઇઁચ, જૂનાગઢના વંથલીના લુશાળામાં તો વળી, છ ઇઁચ જેટલો ભારે વરસાદ ખાબકયો હતો, જેને પગલે આ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.

 

 

 

જૂનાગઢમાં ભારે વરસાદના કારણે સ્થાનિક નરસિંહ મહેતા સરોવર ઓવરફલો થયું હતું. જામકંડોરણાના રામપરની નદીમાં એક કાર તણાઇ હતી, જેના કારણે કારમાં ત્રણ મહિલા ફસાઇ જતા પૂરના પાણીમાં ડૂબી જવાથી ત્રણેયના મોત નીપજ્યા હોવાનું જાણ મળી રહ્યું છે. જો કે, એક વ્યકિતને બચાવી લેવાઇ હતી. ઘટનાની જાણ થતા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દોડી આવ્યા હતા. કારમાં રહેલ લોકો ગોંડલના ખડવંથલીનો પાટીદાર પરિવાર હોવાનું જાણવા મળ્યું છે. જશાપર ગામે લગ્નપ્રસંગમાં પરિવાર જતો જઈ રહ્યો હતો. પોલીસ અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે દોડી આવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બે મહિલા રાધાબેન દિલીપભાઇ મારકણા અને રંજનબેન વજુભાઇ મારકણાના મૃતદેહને શોધી કાઢ્યા છે. જ્યારે સર્મિલાબેન ભૂપતભાઇ મારકણાની શોધખોળ ચાલુ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરથી સૌરાષ્ટ્રભરમાં ગત રાતથી આજ સુધી અવિરત મેઘમહેર યથાવત છે. ખાસ કરીને, રાજકોટ,ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, કોટડાસાંગાણી, આટકોટ સહિતના પંથકો ઉપરાંત અમરેલી, જૂનાગઢ, ગીરના જંગલો, દેવભૂમિ દ્વારકા, જામનગર, ગીર-સોમનાથ, ભાવનગર સહિતના અનેક વિસ્તારો અને પંથકોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા હતા તો, રસ્તાઓ પણ જાણે ધસમસતા પાણીના પ્રવાહ સાથે નદીઓ વહેતી હતી. દરમિયાન અપરએર સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેમાં પાટણમાં માત્ર છ કલાકના ગાળામાં  જ સાતથી આઠ ઇંચ જેટલો અતિ ભારે અને ધોધમાર વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. તો સરસ્વતી તાલુકામાં ત્રણ ઇંચ, સિદ્ધપુરમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. વિસનગરમાં અઢી ઇંચ, ઊંઝામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો તો,  ડીસામાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. હવામાન વિભાગના આકંડા પર નજર કરીએ તો પાટણમાં આ વર્ષે સીઝનનો ૧૦૩ ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

પાટણમાં છેલ્લા ૧૨ કલાકમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેથી ૨૦૧૭ બાદ આનંદ સરોવર છલકાઈ ગયું હતું. આજે ઉત્તર ગુજરાતના મોટાભાગના પંથકોમા મેઘકહેરની સ્થિતિ જોવા મળી હતી. અમીરગઢ, દાંતા અને દાંતીવાડામાં એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્‌યો હતો. સાબરકાંઠા જિલ્લામાં પોશીનામાં ચાર ઇંચ, ઇડર અને વડાલીમાં ત્રણ ઇંચ, ખેડબ્રહ્મા અને પ્રાંતિજમાં બે ઇંચ, વિજયનગરમાં  દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. અમીરગઢ અને રબારીયા ગામ વચ્ચેથી પસાર થતી કલેડી નદીમાં પણ ઉપરવાસનું પાણી આવ્યું હતું. ત્યારે રાજસ્થાનના ચનાર ગામના ૩ બાઇક સવારો નદીમાં બાઇક સાથે તણાયા હતા. જો કે, લોકોએ ત્રણેયને બચાવી લીધા હતા. બોલુન્દ્રા ગામમાં ઠેર-ઠેર પાણી ઘૂસી જતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ઈડર પંથકમાં ધોધમાર વરસાદના કારણે કોઝવે પરથી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મૂટેડી ગામને જોડતો કોઝવે લોકોએ પોતાના જીવના જોખમે પાર કરવો પડી રહ્યો છે. તો, અરવલ્લી, માલપુર, ભીલોડા, શામળાજી સહિતના પંથકોમાં પણ ભારે વરસાદથી પાણી-પાણીની સ્થિતિ સર્જાઇ હતી અને રોડ-રસ્તાઓ પાણીમાં ગરકાવ બન્યા હતા.  ઉત્તર ગુજરાતમાં આજે ભારે મેઘવર્ષાના કારણે સ્થાનિક હાથમતી, બુઢેલી સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. તો, ચેકડેમો, જળાશયો અને નાળા છલકાયા હતા.

 

Previous articleમુંદ્રા, અંજાર અને ગાંધીધામમાં  ચારેય બાજુ પાણી ભરાઈ ગયા
Next articleકઠોદરા ખાતે વૈદિક નવરાત્રીનું આયોજન