ભાવનગર મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિવ શક્તિ હોલ ભાવનગર ખાતે બિલ્વપત્ર ૨૦૧૯ અંતર્ગત નિવૃત થતા શિક્ષકોનો સન્માન સમારોહ, શિક્ષક સંઘના સભાસદો તેમજ તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ, તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરનું સન્માન એમ વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરાયુ હતુ.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યમંત્રીવિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે સમાજમાં રોટી કપડાં અને મકાન નબળા હશે તો ચલાવી શકાશે પરંતુ શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે શ્રેષ્ઠ શિક્ષણનું હોવું અનિવાર્ય છે.
નિવૃત્ત થયા બાદ પણ જરૂરીયાત મંદ બાળકોને નિશુલ્ક તેમજ શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે સતત કાર્યરત રહી સમાજ ઉપયોગી થવા મંત્રીશ્રીએ નિવૃત થતા શિક્ષકોને સૂચન કર્યું હતું અને કહ્યું હતું કે જમવા તેમજ આરામના સમયને બાદ કરતાં બાકીનો તમામ સમય લોક સેવાર્થે ખર્ચાય તેવી અપેક્ષા છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર ગણવેશ, પુસ્તકો, ભોજન, અભ્યાસ તેમજ શ્રેષ્ઠ શિક્ષકો નિશુલ્ક ઉપલબ્ધ કરાવી રહી છે ત્યારે સૌ સાથે મળી ખાનગી શાળા થી પણ શ્રેષ્ઠ એવી સરકારી શાળાનું નિર્માણ કરીએ.
આ પ્રસંગે ધારાસભ્ય જીતેન્દ્રભાઈ વાઘાણીએ અંગત ખર્ચ કરીને પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવા બદલ શિક્ષકોનો તેમજ કુટુંબીજનની જેમ વિદ્યાર્થીઓની ચિંતા કરી છે તેવા શિક્ષક સંઘનો આ તકે આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે અંદરનો શિક્ષક સદાય જીવિત રહેવો જોઈએ અને સમાજ ઉપયોગી થાય તેવી અપેક્ષા છે. આ તકે ધારાસભ્યએ તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવ્યા હતા અને નિવૃત થતા શિક્ષકોને આનંદથી નિવૃત્તિ જીવન પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે શિવકુંજ આશ્રમ અધેવાડાના સંત સીતારામ બાપુ, શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશભાઈ રાવલ, મહેન્દ્ર સિંહ ગોહિલ તેમજ બહોળી સંખ્યામાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.