કોઇ પણ વિદેશી ટીમના બેટ્સમેનોને ભારતીય ટીમનો સામનો કરવાની બાબત હાલના સમયમાં મુશ્કેલરૂપ બની ગઇ છે. ખાસ કરીને ભારતીય પીચો પર તો ભારતનો સામનો કરવા માટેની બાબત તો તમામ માટે ખુબ પડકારરૂપ છે. ટેસ્ટ ક્રિકેટની વાત કરવામાં આવે તો રવિચન્દ્ર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની જોડી સામે રમવા માટેની બાબત તમામ માટે ભારે પડી શકે છે. આફ્રિકાની સામે અશ્વિન અને જાડેજાની જોડી જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. બંને સ્પીનરો ૨૮ ટેસ્ટ મેચમાં ૩૧૫ વિકેટ લઇ ચુક્યા છે. તેમના શાનદાર દેખાવના કારણે ભારતીય ટીમે જોરદાર દેખાવ કર્યો છે. બીજી ઓક્ટોબરથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત થઇ રહી છે. આવી સ્થિતીમાં ડુ પ્લેસીસના નેતૃત્વમાં આફ્રિકાની ટીમ સામે મુશ્કેલી આવી પડનાર છે. ભારતીય ટીમમાં લાંબા સમય બાદ અશ્વિન અને જાડેજા જેવી જોડી ટીમમાં રહેલી છે. આ પહેલા દિગ્ગજ સ્પીનર અનિલ કુમ્બલે અને હરભજન સિંહની જોડી ભારતીય ટીમમાં આટલી શક્તિશાળી હતી. આ જોડી હરિફ ટીમોને પછડાટ આપી દેવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરતી હતી. ભારતીય પીચો પર અને ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં તો સ્પીનરોની બોલબાલા રહેલી છે. રવિચન્દ્ર અશ્વિન અને જાડેજાએ હજુ સુધી ૨૮ ટેસ્ટ મેચો રમી છે. જેમાંથી ભારતની ૨૧ ટેસ્ટ મેચોમાં જીત થઇ છે. જ્યારે છ ટેસ્ટ મેચો ડ્રો રહી છે.
આ જોડીની હાજરીમાં ભારતે જે મેચો રમી છે તે પૈકી ૨૧ ટેસ્ટ મેચોમાં જીત મેળવી છે. જે સાબિત કરે છે કે તેમની હાજરી હરિફ ટીમો માટે કેટલી ઘાતક રહેલી છે. અશ્વિને આ ૨૮ ટેસ્ટમાં ૧૭૧ વિકેટ લીધી છે. જ્યારે જાડેજાએ ૨૮ ટેસ્ટ મેચોમાં ૧૪૪ ટેસ્ટ વિકેટ પોતાના નામ પર કરી છે. એમ કુલ મળીને બંનેએ સાથે રમતા કુલ ૩૧૫ વિકેટ ઝડપી છે. અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની જોડી હાલમાં હરીફ ટીમો ઉપર ખુબ ભારે પડી છે.
આ જોડીના ભવ્ય દેખાવનો અંદાજ આનાથી લગાવી શકાય છે કે, દક્ષિણ આફ્રિકા જ્યારે વર્ષ ૨૦૧૫માં ભારતના પ્રવાસે આવ્યું હતું ત્યારે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં અશ્વિને ૩૧ અને જાડેજાએ ૨૩ વિકેટ લીધી હતી. આફ્રિકાની ટીમની કુલ ૭૦ પૈકીની ૫૬ વિકેટો આ બે બોલરોએ લીધી હતી. આ વખતે પણ આ બંને બોલરો ભારતને ટેસ્ટ શ્રેણીમાં જીત અપાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીને લઇને ભારે રોમાંચની સ્થિતિ પ્રવર્તી રહી છે. બંને ટીમો જોરદાર દેખાવ કરવા માટે સજ્જ બનેલી છે.