ભારતના યુવા ટેનિસ સ્ટાર સુમિત નાગલે આર્જેન્ટિનામાં રવિવારે બ્યુન્સ આર્યસ એટીપી ચેલેન્જર ક્લે ઇવેન્ટ જીત્યો હતો. આ જીત સાથે તે પોતાના કરિયરના શ્રેષ્ઠ ૧૩૫મા રેન્કે પહોંચી ગયો છે. તેને ૨૬ સ્થાનનો ફાયદો થયો છે. સુમિતે ફાઇનલમાં આર્જેન્ટિનાના ફૈકુંદો બગિન્સને ૬-૪, ૬-૨થી હરાવ્યો હતો. તેણે આ મુકાબલો ૩૭ મિનિટમાં જીત્યો હતો. તે ૨૦૧૭માં પહેલી વાર બેંગ્લુરુ ચેલેન્જર ઇવેન્ટ જીત્યો હતો.
આ સીઝનમાં પહેલી વાર કોઈ ભારતીએ એટીપી ચેલેન્જર ટાઇટલ પોતાના નામે કર્યું છે. સુમિત આ ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ એશિયન છે. તેને સ્પર્ધામાં સાતમી સીડ મળી હતી, જ્યારે આર્જેન્ટિનાના ફૈકુંદો બગિન્સને આઠમી સીડ મળી હતી. સુમિત દક્ષિણ અમેરિકાની ધરતી પર ક્લે ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય છે.
જીત્યા પછી સુમિતે કહ્યું કે, આ શાનદાર અનુભવ હતો. હું અહીંયા એકલો આવ્યો હતો. મારી સાથે મારા કોચ સાસા નેનસેલ અને ટ્રેનર મિલોસ ગાગેલિક હાજર ન હતા. કોચ વગર રમવું અઘરું હોય છે. હવે મારે આવતા અઠવાડિયે બ્રાઝિલ જવાનું છે. ત્યાં વધુ એક ચેલેન્જર ટૂર્નામેન્ટ રમવાની હોવાથી મારી પાસે જીતની ઉજવણી કરવાનો સમય નથી.