તમિલનાડુ સ્થિત મદ્રાસ આઈઆઈટીનાં ૫૬માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને ‘ન્યૂ ઇન્ડિયા વિઝન’ વિશે જણાવતા ઇનોવેશન અને ટીમ વર્ક માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યું કે, “દુનિયાનાં કોઇ પણ ખુણામાં રહો, કંઇ પણ કરો, પરંતુ મનમાં હંમેશા પોતાની માતૃભૂમિની જરૂરિયાતોને ધ્યાનમાં રાખો.”
પીએમ મોદીએ કહ્યું કે, “૨૧મી સદીની સ્થાપના ૩ જરૂરી સ્તંભો પર ટકી છે – ઇનોવેશન, ટેક્નોલોજી અને ટીમ વર્ક. હું હમણાં અમેરિકાથી પરત ફર્યો. આ દરમિયાન હું ઘણા દેશોનાં પ્રમુખોને મળ્યો હતો, ઇનોવેટર, ઇન્વેસ્ટર્સને મળ્યો છું. અમારી ચર્ચામાં એક ચીજ કૉમન હતી – ન્યૂ ઇન્ડિયાને લઇને અમારું વિઝન અને ભારતનાં યુવાઓની યોગ્યતા પર ભરોસો.”
પીએમ મોદીએ કહ્યું કે, “હું સૌને વિનંતિ કરવા ઇચ્છુ છું કે તમે ભલે ગમે ત્યાં કામ કરો, જ્યાં પણ રહો, મગજમાં હંમેશા પોતાની માતૃભૂમિ ભારતની જરૂરિયાતોને રાખો.” પીએમ મોદીએ પણ તમામ વિદ્યાર્થીઓને ઉભા થઇને પોતાના શિક્ષક, પેરેન્ટ્સ અને સપોર્ટિંગ સ્ટાફનું અભિવાદન કરવા કહ્યું. આ દરમિયાન તમામ વિદ્યાર્થીઓએ પોતાની જગ્યાએથી ઉભા થઇને તાળીઓ વગાડી.