ગોવાથી દિલ્હી તરફ જવા રવાના થયેલી ઇન્ડિગોની એક ફ્લાઇટના એંજિનમાં આગ લાગતાં રવિવારે મોડી રાત્રે આ ફ્લાઇટનું ગોવામાંજ ઇમર્જન્સી લેન્ડીંગ કરવું પડ્યું હતું.
ઇન્ડિગોની ફ્લાઇટ ૬-ઇ ૩૩૬ ગોવાથી દિલ્હી જવા રવાના થાય એટલામાં એંજિનમાં આગની જ્વાળા દેખાતાં તરત વિમાનને ડાબોલિયમ એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડીંગ કરવા દેવામાં આવ્યું હતું. આ ફ્લાઇટમાં ૧૧૪ ઉતારૂ હતા જેમાં ગોવાના પર્યાવરણ પ્રધાન નીલેશ કાબરાલ ઉપરાંત ગોવાના ઑફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી તથા એગ્રીકલ્ચર ડાયરેક્ટરનો પણ સમાવેશ થયો હતો. સદ્ભાગ્યે કોઇને કશી ઇજા થઇ નહોતી. તમામ ઉતારુને સહીસલામત એરપોર્ટ પર ઊતારી લેવામાં આવ્યા હતા અને બીજી ફ્લાઇટમાં રવાના કરાયા હતા એવું ઇન્ડિગોના પ્રવક્તાએ કહ્યું હતું.