અમદાવાદના દલાલને એકના ત્રણ ગણાં અને ડબલની લાલચ આપીને ચાર શખ્સોએ રૂપિયા એક લાખ લઇને નકલી નોટોનો છ બંડલ આપીને છેતરપિંડી કરનાર ચાર શખસોને પોલીસે ઝડપી લઇને રોકડ રૂપિયા, ત્રણ નંગ મોબાઇલ અને કાર સહિત કુલ રૂપિયા ૪.૦૨ લાખનો મુદ્દામાલ જપ્ત લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સેક્ટર-૨૧ આર વર્લ્ડની સામેની ચાની કિટલી ઉપર રૂપિયા એકના ત્રણ ગણાં અને ડબલની લાલચ આપીને દલાલની સાથે છેતરપિંડીના ગૂનાને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલીને સંડોવાયેલા ચાર શખસોને ઝડપી પાડ્યા છે.
લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ પી.ડી.વાઘેલાને બાતમી મળી હતી કે જીજે-૨૭-એપી-૫૩૭૪ નંબરની સ્વિફ્ટ ગાડીમાં દલાલની સાથે છેતરપિંડી કરનારા શખસો છે.આથી પોલીસે સેક્ટર-૩૦ના સર્કલે વોચ ગોઠવીને પસાર થતી સ્વિફ્ટ ગાડીને ઉભી રાખીને તેમાં બેઠેલા ૪ શખસોની પૂછપરછ કરતા દલાલની છેતરપીંડી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે ચારેય શખસોની ધરપકડ કરીને તેમની પાસેથી રોકડા રૂપિયા એક લાખ, રૂપિયા ૨૦૦૦ કિંમતના ત્રણ નંગ મોબાઇલ અને રૂપિયા ૩ લાખની સ્વીફ્ટ ગાડી સહિત કુલ રૂપિયા ૪૦૨૦૦૦નો મુદ્દામાલ જપ્ત લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.