સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા બંધ રાખે તો કાયદેસરની કાર્યવાહીની ચીમકી આપી હોવા છતાં સુરતની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની ૪૦૦ શાળાએ સોમવારે શિક્ષકને માર મારવાની ઘટનાને લઈને બંધ પાળ્યો હતો અને સોમવારે તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ઠપ થઇ ગયું હતુ.
વરાછા સીમાડા રોડ પર આવેલી આશાદીપ સ્કુલમાં શિક્ષક વિપુલ ગજેરાએ વિદ્યાર્થીને માર મારતા ઉશ્કેરાયેલા વાલીઓએ શાળામાં લાકડી લઈને પહોંચી જઈ શિક્ષકને ચાલુ ક્લાસમાંથી બહાર ખેંચી ને ઢોર માર માર્યો હતો.
આ ઘટનાના શિક્ષણજગતમાં ધેરા પ્રત્યાઘાત પડયા હતા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે શિક્ષકોની સ્ટાફની સલામતીને લઈને બંધનું એલાન આપ્યું હતું. આ એલાનને પગલે સવારથી જ સુરત શહેરની ૪૦૦ જેટલી ખાનગી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ થઇ ગયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ બંધ સફળ ન થાય તે માટે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ અપીલ કરી હતી સાથે જ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ સુરત જિલ્લા કલેકટરને સંચાલકોને સમજાવવા માટે સૂચના આપી હતી, પરંતુ રવિવારે તમામ સંચાલકો હોવાથી મીટીંગ થઇ શકી ન હતી.