ગુજરાતમાં નવા ટ્રાફિક વ્હીકલના નિયમના કારણે લોકો નારાજ દેખાઇ રહ્યા છે. તો બીજી બાજુ રાજ્યના નાગરિકોને પીયુસી, લાયસન્સ અને હેલ્મેટને લઇને પડી રહેલી મુશ્કેલીઓને જોતા સરકારે ૧૫ ઓક્ટોબર સુધી સમયમર્યાદા વધારી છે. પરંતુ તેના પહેલા અમદાવાદીઓમાં નવા કાયદાનો ડર બની રહે અને લોકોમાં જાગૃતિ ફેલાવવા ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ ડ્રાઈવ કરવામાં આવી રહી છે. ત્યારે હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે ૩થી ૭ ઓક્ટોબર સુધીમાં અંડરએજ વાહન ચાલકો માટે ખાસ ડ્રાઇવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદીઓમાં ખાસ કરીને જે અંડરએજમાં લોકો વાહનો લઇને નીકળી પડે છે. તેમની વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઇવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઇ બાળક ૧૮ વર્ષ કરતાં ઓછી ઉમરનું હોય છતાં તેને વાહન ચલાવવા આપવું તે ગુનો બને છે. જેથી એમવી એકટ ૧૯૯ હેઠળ ત્રણેય વિરુદ્ધ એટલે વાહનચાલક અને માતાપિતા સામે ગુનો નોંધાશે.
હવે જો અંડરએજ વાહનચાલક ઝડપાશે તો તેની પાસેથી ૨ હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવશે. આવા વાહનચાલક કે તેમના માતાપિતા ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી કે ઘર્ષણ કરશે તો તેમની સામે મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૯૯ પ્રમાણે ગુનો નોંધશે.
જ્યારે બાળક વિરુદ્ધ જુએનાઈલ જસ્ટિસ એકટ મુજબ કાર્યવાહી પણ થઇ શકે છે. જ્યારે માતા-પિતાને ૩ વર્ષની સજા અને ઓછામાં ઓછો ૨૫ હજાર દંડ થશે. પોલીસ તેમનું વાહન ડિટેઈન કરશે અને ત્રણેયને જુએનાઈલ કોર્ટમાં રજૂ કરાશે. જેમાં બાળકને શું સજા કરવી તે નિર્ણય જુએનાઈલ જજ નક્કી કરે છે. માતા-પિતાને ૩ વર્ષની સજા અને રૂ.૨૫ હજાર દંડ થઇ શકે છે.