“રાજનૈતિક પરિ-આવરણની દૂરગામી અસરો”

682

પરિ-આવરણ શબ્દ સાંભળતા જ આપણા મનમાં શાળા શિક્ષણ દરમિયાન શીખેલી વ્યાખ્યાઓ યાદ આવે છે. પૃથ્વીની આસપાસનું આવરણ એટલે પરિ-આવરણ. આ તો થઇ સામાન્ય પરિ-આવરણ વિશેની વ્યાખ્યા.

આજે આપણે આ લેખમાં રાજનૈતિક પર્યાવરણ વિશે વિચારણા કરવાની છે. લોકશાહી પ્રણાલીમાં રાજનીતિ પણ લોકશાહીને અનુરૂપ હોવી જોઈએ એટલે કે રાજનીતિ લોકશાહીની તરફેણ કરે તેવી હોવી જોઈએ. ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ દેશની બંધારણ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ બંધારણનો વિધિવત અમલ કરવામાં આવ્યો. દુનિયાના દેશોમાં આપણા ભારતનું બંધારણ અગ્રીમ પંક્તિમાં સ્થાન પામ્યું. ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં તૈયાર કરવામાં આવેલ આ બંધારણમાં નાગરિકોના મૂળભૂત અધિકારોથી લઇ શાસન વ્યવસ્થાને માર્ગદર્શન મળી રહે તેવી કાનૂની જોગવાઈઓ કરવામાં આવી છે. તેમજ માર્ગદર્શક સિદ્ધાંતો પણ આપવામાં આવ્યા છે. તદનુસાર સાંસદો અને ધારાસભ્યોએ દેશના છેવાડાના નાગરિકો સુધી સરકાર દ્વારા ઘડાયેલ યોજનાઓ અને સેવાઓનો સમયસર લાભ મળી રહે તેવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવા નિષ્ઠાથી કાર્ય કરવાનો નિર્દેશ પણ કરવામાં આવ્યો છે.

જાહેર હોદ્દાઓ ઉપર કે રાજ્યના વિધાનસભાગૃહ કે પાર્લામેન્ટની ચૂંટણી લડવા ઉમેદવારી નોંધાવવા માટે બંધારણ મુજબ સોગંદનામું કરવું ફરજિયાત છે. આ જ રીતે ચૂંટાયેલા સભ્યોએ કે મંત્રીમંડળમાં સ્થાન પામેલ મંત્રીશ્રીઓએ હોદ્દા અને જવાબદારીઓની ગુપ્તતાના સોગંધ લઈ નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા ખાતરી આપવી અનિવાર્ય છે. ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ કે રાજ્યના રાજ્યપાલ સ્વયં જે-તે હોદ્દેદારોને શપથવિધિ કરાવે છે. આમ, છતાં આવા ચૂંટાઈ આવેલા ભ્રષ્ટનેતાઓ પોતે ગ્રહણ કરેલ શપથની ગરિમા રાખતા નથી. છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યોની વિધાનસભાઓ, લોકસભા અને રાજ્યસભાના સભ્યો સરકારના વિવિધ એકમો-કંપનીઓ સાથે સાંઠગાંઠ કરી જનતાના પરસેવામાંથી એકત્રિત થયેલ કરની રકમ પોતાના સ્વાર્થ માટે કેમ પચાવી પાડવી તેના ષડયંત્ર કરનારા દલાલો બન્યા છે. રોજ-રોજ નિતનવા જૂઠાણા ફેલાવી લોકોને ગુમરાહ કરી પોતાનું ધાર્યું કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણીઓમાં વિજેતા થવા ક્યારેક ધર્મના નામે તો ક્યારેક અલગ-અલગ જાતીનાં નામે રાજકારણ કરી ગરીબોના મો-માંથી કોળીયો ઝૂંટવી લેતાં આ લોકો જરા પણ ખચકાતા નથી, જેના કારણે દેશની શાખને પણ ધક્કો લાગે છે. ‘નોટના બદલે વોટ’ તો જાણે આ લોકોની આદત બની ગઈ છે (કોઠે પડી ગયું છે), નિતનવા દાવપેચ રચી શાસક અને વિપક્ષ પોતાનું સાજુ રાખવા ગમે તેવા નુસ્ખાઓ કરતા  હોય છે. જનતાને આજના નેતાઓ રમખાણો અને નફરતનું પ્રપંચ કરી, ઝેર રેડી ગેરમાર્ગે દોરતા હોય છે તેમજ સત્તા હાંસલ કરી લેવા સફળ થતા હોય છે . આટલું જ નહીં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇ. વી. એમ.) માં પણ ચેડાં કરી પોતાનો કક્કો ખરો કરવા લાખો રૂપિયાનું આંધણ મૂકી લોકસભા કે વિધાનસભાની ચૂંટણીઓમાં લક્ષ્યાંક મુજબનું પરિણામ સિધ્ધ કરવા આહ્વાન આપી ધારી સફળતા પણ હાંસલ કરે છે.

મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રી જેવા અનેક મહાન પુરુષોના જીવન કવન જ્યારે તપાસીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આજનું રાજનૈતિક પરિ-આવરણ કેટલું દુષિત થયું છે. જીવનપર્યંત જે મહાપુરુષોએ કષ્ટ વેઠી દેશને આઝાદી અપાવી, દેશી રજવાડાઓને એકત્રિત કરી લોકશાહી પ્રણાલીની સ્થાપના કરી કારણ કે… તેઓ ઈચ્છતા હતા કે દેશની પ્રજા ઇચ્છે તેવા વ્યક્તિઓના હાથમાં લોકોની ઇચ્છા મુજબ શાસનની ધૂરા સોંપી શકાય. લોકો દ્વારા પસંદ થયેલ શાસકો જનતાના હિતમાં જ નિર્ણય કરશે તેવા ઉમદા ઉદ્દેશ્યથી કદાચ આપણા તમામ સ્વતંત્ર સેનાનીઓએ વિચાર્યું હશે અને તે જ વાતનો અમલ કરવા સારુ આપણા પૂર્વ નેતાઓએ નિર્ણય કર્યો હશે. પરંતુ જે રીતે લોખંડને પણ જ્યારે વાતાવરણની અસરનાં કારણે કાટ લાગે છે ત્યારે તે ધીમે ધીમે ક્ષીણ થઈ નાશ પામે છે અને આખરે માટીમાં મળી જાય છે. તે જ ‘સડો’ આપણા દેશના રાજકારણમાં પણ લાગી ચૂક્યો છે.

વાયદાઓની બજારમાં આજના નેતાઓની બોલબાલા થાય છે. સભાઓમાં મોટે-મોટેથી વારંવાર એકની એક વાત જુદા-જુદા શબ્દોમાં કહી લોકોની સસ્તી લોકપ્રિયતા મેળવી સતાનો પરવાનો પાકો કરી લેવામાં કુશળ હોય છે. ખુરશીનો પાંચ વર્ષનો સતાનો પરવાનો લાઇસન્સની જેમ રીન્યુ કરી ખુરશી પ્રાપ્ત કરી લેવામાં આજના નેતાઓ એન-કેન રીતે સફળ થતા હોય છે. જોકે અંતે તો તેઓ નૈતિક અધઃપતન પામે છે. છતાં દેશની ભોળી પ્રજા તેને પામી શકતી નથી કે અટકાવી શકતી નથી. જાડી ચામડીના આ લોકો થોડો ઘણો વિરોધ ઘોળીને ઔષધની માફક પી જાય છે, પરિણામે પ્રજા પીસાતી રહે છે. લોકતંત્રનો લાગેલો આ લૂણો જ્યા સુધી દૂર નહીં થાય ત્યાં સુધી પ્રજા શાંતિનો શ્વાસ નહીં લઇ શકે પ્રજાની સગવડ માટે સરકાર થોડાક કરવેરા પ્રજા પાસેથી વસુલ કરે તે તો એક વ્યવસ્થાનો ભાગ છે, પરંતુ પ્રજાના પૈસાનો ખર્ચ સરકાર દ્વારા જે કામકાજ માટે જનતાના હિતમાં કરવામાં આવે છે, તે કામના કોન્ટ્રાકટર કે નોકરી મેળવનાર કર્મચારીઓ પાસે પણ ત્રાહિત માધ્યમ દ્વારા પૂર્વ આયોજિત વ્યૂહરચનાથી સતાધીશો દ્વારા લાંચ લેવાય છે, તે ઘણું ચિંતાજનક છે. આ જ રીતે ચાલતું રહેશે તો, એક દિવસ વર્ગવિગ્રહ કે અરાજકતા વ્યાપી જશે અને લોકશાહી સદંતર નાશ પામશે. માટે શિક્ષિત, સમજુ અને શાણા નાગરિકોએ આગળ આવી લોકશાહીના રક્ષણ માટે કમર કસવાનો સમય પાકી ગયો છે.

આપણે સૌ પરિ-આવરણ રક્ષણ માટે જાગૃત બન્યા છીએ. જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને હવાઈ પ્રદૂષણને રોકવા જે રીતે તત્પર છીએ તેવા જ તત્પર લોકશાહીનાં રક્ષણ માટે પણ બનવાની જરૂર છે. શાળા-કૉલેજોથી શરૂ કરી શેરીઓ-ગલીઓ અને મોહલ્લાઓ સુધી જાગૃત નાગરિકોએ લોકશાહીના રક્ષણનો સંદેશ પહોચાડવો પડશે-તેના માટે કામે લાગવું પડશે.

આજકાલ કેટલાક રાજકીય પક્ષોએ પોતાનો અડ્ડો જમાવી રાખવા જુઠાણાનો સહારો લઇ જનતાને ગુમરાહ કરવા સોશિયલ મીડિયા અને વીજાણુ માઘ્યમનો જે રીતે આડેધડ ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે એ જોતાં, લોકશાહીનાં વિનાશની ખતરનાક ઘંટડી રણકી ઊઠી છે તેવું લાગે છે. માટે આપણે સૌ જાગૃત બનીએ.

Previous articleવલ્લભીપુરના હેલ્થ સુપરવાઈઝર નામદેવસિંહનો વિદાય સમારોહ યોજાયો
Next articleઆજે ત્રીજું નોરતુ : માતા ‘ચંદ્રઘંટા’ની પૂજા કરવી