જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ આવતીકાલથી વિશાખાપટ્ટનમ ખાતે શરૂ થઇ રહી છે. આ ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી સાથે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆત ભારત ઘરઆંગણે કરનાર છે. દુનિયાની નંબર વન ટીમને ઘરઆંગણે કુલ ત્રણ પડકારોનો સામનો કરવાની જરૂર છે. એકબાજુ લોકેશ રાહુલ ફોર્મમાં નહીં હોવાના કારણે તેની જગ્યાએ પસંદગીકારો રોહિત શર્માને ઓપનિંગમાં ઉતારી દેવા માટે ઇચ્છુક છે. જો કે રોહિત શર્મા હાલમાં જ બોર્ડ પ્રમુખ ઇલેવન તરફથી રમતા શુન્ય રને આઉટ થયો હતો. રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે સફળતા મેળવશે કે કેમ તેને લઇને ચર્ચા છે. રોહિતના શાનદાર ફોર્મને ધ્યાનમાં લઇને યુવરાજસિંહ સહિત અનેક ક્રિકેટરો માને છે કે, મુંબઈના આ બેટ્સમેનને ક્રિકેટના તમામ સ્વરુપમાં ઓપનિંગ બેટ્સમેન તરીકેની તક મળવી જોઇએ. વેસ્ટઇન્ડિઝ સામેની શ્રેણીમાં બે ટેસ્ટ મેચની શ્રેણીમાં રોહિત શર્માને મધ્યમ ક્રમમાં બેટિંગ કરવાની તક મળી હતી. જો કે, ખરાબ ફોર્મના કારણે લોકેશ રાહુલ બહાર કરાયા બાદ મયંક અગ્રવાલની સાથે મળીને રોહિત શર્મા નવી જોડી જમાવશે. રોહિત શર્માએ હજુ સુધી ૨૭ ટેસ્ટ મેચોમાં ૩૯.૬૨ રનની સરેરાશ સાથે ૧૫૮૫ રન કર્યા છે જ્યારે વનડે ક્રિકેટમાં ૧૦૦૦૦થી વધુ રન બનાવી ચુક્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમને હળવાશ નહીં લેવાનો નિર્ણય ટીમ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યો છે. છેલ્લી વખતે આફ્રિકાની ટીમ જ્યારે ભારત આવી ત્યારે આફ્રિકન ટીમને તમામ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત સામે ત્રીજી સમસ્યા સ્પીડ સ્ટાર બુમરાહની ગેરહાજરી છે. તેની ગેરહાજરીમાં સ્પીનરોની જોડી પર આધાર રાખવાની ફરજ પડી શકે છે. ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે પરંતુ તે હાલમાં ફ્લોપ રહ્યો છે. ડુ પ્લેસીસના નેતૃત્વમાં આફ્રિકાની સામે સૌથી મોટો પડકાર તો ભારતીય સ્પીનરની જોડી રવિચન્દ્ર અશ્વીન અને રવિન્દ્ર જાડેજાની રહેનાર છે. રવિચન્દ્ર અશ્વિન અને જાડેજાએ હજુ સુધી ૨૮ ટેસ્ટ મેચો રમી છે. જેમાંથી ભારતની ૨૧ ટેસ્ટ મેચોમાં જીત થઇ છે. જ્યારે છ ટેસ્ટ મેચો ડ્રો રહી છે. આ જોડીની હાજરીમાં ભારતે જે મેચો રમી છે તે પૈકી ૨૧ ટેસ્ટ મેચોમાં જીત મેળવી છે. જે સાબિત કરે છે કે તેમની હાજરી હરિફ ટીમો માટે કેટલી ઘાતક રહેલી છે. અશ્વિને આ ૨૮ ટેસ્ટમાં ૧૭૧ વિકેટ લીધી છે. જ્યારે જાડેજાએ ૨૮ ટેસ્ટ મેચોમાં ૧૪૪ ટેસ્ટ વિકેટ પોતાના નામ પર કરી છે. એમ કુલ મળીને બંનેએ સાથે રમતા કુલ ૩૧૫ વિકેટ ઝડપીછે. અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની જોડી હાલમાં હરીફ ટીમો ઉપર ખુબ ભારે પડી છે. આ જોડીના ભવ્ય દેખાવનો અંદાજ આનાથી લગાવી શકાય છે કે, દક્ષિણ આફ્રિકા જ્યારે વર્ષ ૨૦૧૫માં ભારતના પ્રવાસે આવ્યું હતું ત્યારે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં અશ્વિને ૩૧ અને જાડેજાએ ૨૩ વિકેટ લીધી હતી. આફ્રિકાની ટીમની કુલ ૭૦ પૈકીની ૫૬ વિકેટો આ બે બોલરોએ લીધી હતી. આ વખતે પણ આ બંને બોલરો ભારતને ટેસ્ટ શ્રેણીમાં જીત અપાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીને લઇને ભારે રોમાંચની સ્થિતિ પ્રવર્તી રહી છે. બંને ટીમો નીચે મુજબ છે.
ભારત : વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, રિદ્ધિમાન સહા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સામી, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા, શુભમન ગિલ.
આફ્રિકા : ડુપ્લેસીસ, બાઉમા, ડિબ્રુયન, ડીકોક, એલ્ગર, હમજા, કેશવ મહારાજ, મારક્રમ, મુત્તુસ્વામી, લુંગીગીડી, નોરજે, ફિલાન્ડર, પીટ, રબાડા અને સેકન્ડ.