દક્ષિણ આફ્રિકાનો પૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સ પહેલી વાર ઓસ્ટ્રેલિયાની ટી-૨૦ લીગ બિગ બેશમાં ભાગ લેશે. તેણે ૨૦૧૯-૨૦ની સીઝન માટે બ્રિસ્બેન સાથે કરાર કર્યો છે. બ્રિસ્બેન હીટે મંગળવારે આની જાહેરાત કરી હતી. ૩૫ વર્ષીય ડિવિલિયર્સ ટૂર્નામેન્ટના બીજા ભાગમાં ટીમ સાથે જોડાશે. હીટના કોચ ડેરેન લહેમને કહ્યું કે, તેની સાથે પહેલી વાર કામ કરવા માટે ઉત્સુક છું. વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ દરરોજ આવતા નથી. તેની હાજરી માત્ર અમારી ટીમ માટે નહીં, પરંતુ આખી ટૂર્નામેન્ટ માટે ખાસ વાત છે. બિગ બેશમાં ભાગ લેવા અંગે ડિવિલિયર્સે કહ્યું કે, જાન્યુઆરીમાં ભાગ લેવો મારા માટે સરળ નિર્ણય હતો. બ્રિસ્બેન હીટ એવી બ્રાન્ડ છે, જેની સાથે હું જોડાવવા માગું છું. તે આક્રમક મિજાજ સાથે રમે છે. હું ગાબા (બ્રિસ્બેનનું મેદાન) જવાની રાહ જોઇશ. તે એક સુંદર ગ્રાઉન્ડ છે. ત્યાં રમવું હંમેશા અદભુત રહ્યું છે. ડિવિલિયર્સે દક્ષિણ આફ્રિકા માટે ૧૧૪ ટેસ્ટ, ૨૨૮ વનડે અને ૭૮ ટી-૨૦ રમ્યો હતો. તેણે ગયા વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આઇપીએલની ગઈ સીઝનમાં તેણે ૪૪.૨૦ની એવરેજ અને ૧૫૪ની સ્ટ્રાઇક રેટથી ૪૪૨ રન કર્યા હતા.