બનાસકાંઠાના ડીસા તાલુકાના માલગઢ ગામે મંગળવારે સવારે ૭.૧૫ વાગે પરિવાર ચા પી રહ્યા હતા તે દરમિયાન અચાનક મકાનની દીવાલો ધરાશાયી થતા પરિવાર દટાયો હતો. ૨૫ વર્ષ જૂનું કાચું મકાન પડતા આસપાસના લોકો તત્કાલ દોડી આવી પરિવારને બહાર કાઢ્યો હતો. જેમાં એક નું મોત નીપજ્યું હતું. જ્યારે બે બાળકો એક વૃદ્ધા સહિત ચારને ઈજાઓ પહોંચી હતી.જ્યારે ત્રણનો આબાદ બચાવ થયો હતો.
ડીસાના માલગઢ ગામના જોધપુરીયા ઢાણીમાં નારણજી પઢીયારના ત્રણ પુત્રો ૨૫ વર્ષથી કાચું મકાન બનાવી મજુરી કરી ગુજરાન ચલાવે છે. મંગળવારે સવારે પરિવાર ચા પી રહ્યો હતો.દરમિયાન અચાનક વરસાદના કારણે મકાન ધરાશાયી થતા પરિવાર દટાતા ચિચિયારીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું .ઘટના બનતા આસપાસના લોકો દોડી જઇ રેસ્ક્યૂ કરી અંદર દટાયેલા લોકોને બહાર કાઢયા હતા. ઘાયલોને તત્કાલિક ૧૦૮ દ્વારા ડીસા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે જેમાં માતા ગોમતીબેન નારણજી પઢીયાર (ઉ.વ. ૭૦)ને બે પગને ફેક્ચર થયું હતું અને જ્યારે અન્ય એક ભરતભાઇ નારણજી પઢીયાર (ઉ.વ.૩૭) નાઓને માથાના ભાગે ખીલો લાગવાથી ગંભીર ઇજા થતાં પ્રાથમિક સારવાર કરી પાલનપુર રેફર કરવામાં આવ્યા હતા. જોકે પાલનપર પહોંચતા સારવાર દરમિયાન જ યુવકનું કરુણ મોત નિપજ્યું હતું.જોકે સોમવારે પણ માલગઢના સોમાજી પ્રતાપજી પઢીયારનું મકાન ધરાશાહી થયું હતું. જેમાં સદનસીબે જાનહાની ટળી હતી.