મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિના અવસરે રાજ્યની જેલોમાં સજા ભોગવી રહેલા મોટી વયના કેદીઓ પ્રત્યે માનવીય સંવેદનાસ્પર્શી અભિગમ દાખવી વધુ ૧૫૮ કેદીઓને રાજ્ય માફી આપી જેલમુકત કરવાનો નિર્ણય કર્યો છે.
ગૃહ અને જેલ રાજ્યમંત્રી પ્રદીપસિંહજી જાડેજાએ મુખ્યમંત્રીના આ નિર્ણયની વિગતો આપતાં કહ્યું કે, ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિના આ વર્ષમાં ભારત સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપેલા દિશાનિર્દેશ અનુસાર નિયત કરાયેલી કક્ષાના કેદીઓને રાજ્ય માફી આપવામાં આવે છે.
તદ્દઅનુસાર, અગાઉ બે તબક્કામાં આવા કુલ ૨૨૯ કેદીઓને રાજ્ય માફી આપી કેદ મુકત કરવામાં આવેલા છે. રાજ્ય માફી મળવાપાત્ર કેદીઓને મુકત કરવાના મુખ્યમંત્રીના નિર્ણયને ગુજરાતના રાજ્યપાલની અનુમતિ મળતાં હવે વધુ ૧૫૮ કેદીઓને જેલમુકત કરવામાં આવશે.
ગુજરાતમાં આ સાથે કુલ ૩૮૭ કેદીઓને રાજ્ય માફીનો લાભ આપવામાં આવ્યો છે એમ પણ જેલ રાજ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
મહાત્મા ગાંધીજીએ કારાવાસના કેદીઓ પણ મુકિત બાદ સમાજમાં પૂનઃપ્રસ્થાપિત થઇને સ્વમાનભેર બાકીનું જીવન જીવી શકે તેવા આશયને ફળીભૂત કરવા વિજયભાઇ રૂપાણીએ આ માનવીય અભિગમયુકત નિર્ણય કરેલો છે તેમ જાડેજાએ જણાવ્યું છે.
મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જે ૩૮૭ કેદીઓને રાજ્ય માફી આપવામાં આવી છે તેની વિગતો આપતાં કહ્યું કે, ૫૫ વર્ષ કે તેથી વધુ વયની અને ખરેખર થયેલ જેલ સજાના પ૦ ટકા સમયગાળો પૂર્ણ કર્યો હોય તેવી ૧(એક) મહિલા કેદી, ૬૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા અને ખરેખર થયેલ જેલ સજાના પ૦ ટકા કારાવાસ પૂર્ણ કર્યા હોય તેવા ૫(પાંચ) પુરૂષ કેદીઓ અને એવા ૩૮૧ કેદીઓ કે જેમણે ખરેખર જાહેર થયેલ સજાના ૬૬ ટકા એટલે કે બે તૃંતીયાશ સમયગાળો જેલવાસ ભોગવ્યો હોય તેવા કેદીઓને રાજ્ય માફી આપવામાં આવી છે.