મધ્યપ્રદેશના હાઈપ્રોફાઇલ હની ટ્રેપ મામલામાં ઇન્દોરની કોર્ટે પાંચેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કર્યો છે. એટલે કે પાંચેય આરોપીઓને ૧૪મી ઓક્ટોબર સુધી જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. સવારમાં ઇન્દોરની એમવાય હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા બાદ તમામ આરોપીઓને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. તમામ આરોપીઓને જજ મનિષ ભટ્ટની કોર્ટમાં ઉપસ્થિત કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે તમામને ૧૪મી ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. મધ્યપ્રદેશના હાઈપ્રોફાઇલ હની ટ્રેપ મામલામાં ઇન્દોરની કોર્ટે આ મહત્વનો આદેશ કર્યો હતો. એક આરોપી મહિલાએ કોર્ટમાં રજૂઆત સમયે પોલીસ ટીમ પર માનસિક ઉત્પીડનનો આક્ષેપ કર્યો હતો. આજે મંગળવારના દિવસે ઇન્દોરની એમવાય હોસ્પિટલમાં મેડિકલ તપાસ બાદ તમામ આરોપીઓને જેલ ભેગા કરવામાં આવ્યા હતા. આ પહેલા સોમવારના દિવસે એસઆઈટી દ્વારા ત્રણ આરોપી શ્વેતા, અન્ય બેને સાથે રાખીને ભોપાલ કોર્ટમાં ટ્રાન્ઝિક્ટ રિમાન્ડની માંગ કરી હતી. એસઆઈટીએ કોર્ટની સામે કહ્યું હતું કે, ત્રણ આરોપીઓની પોલીસ રિમાન્ડની અવધિ સોમવારના દિવસે પુરી થઇ ચુકી છે. જો કે, છેલ્લા દિવસે પુછપરછ દરમિયાન મહત્વની માહિતી મળી છે જેના લીધે એસઆઈટી આરોપીઓને ઇન્દોર કોર્ટમાં રજૂ કરી શકી નથી. ત્યારબાદ પોલીસે આરોપીઓ માટે આજે બપોર સુધીની રિમાન્ડની માંગ કરી હતી જેના જવાબમાં કોર્ટે સવારે ૧૧.૩૦ વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા હતા. ભોપાલ કોર્ટના આદેશ બાદ ત્રણેય આરોપીઓને હવે ઇન્દોરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પછી તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
આરોપી આરતી દયાળ અને ૧૮ વર્ષની યુવતીને પણ રિમાન્ડ ખતમ થયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. સુત્રોના કહેવા મુજબ આરોપીઓને છેલ્લા બે દિવસ સુધી ઉંડાણપૂર્વક પ્રશ્નો કરવામાં આવ્યા હતા. સોમવાર સુધી તેમની પુછપરછથી પોલીસને રિમાન્ડ વધારવામાં મદદ મળી શકે છે. ચૂંટણી દરમિયાન આ તમામ આરોપીઓ દ્વારા બ્લેકમેઇલિંગના પ્રયાસો કરવામાં આવ્યા હતા. નવી નવી વિગતો સપાટી ઉપર આવી રહી છે.
જેના ભાગરુપે હવે એવી વિગત આવી છે કે, આરોપીઓએ નેતાઓના અશ્લિલ વિડિયો પણ બનાવી લીધા હતા અને ચૂંટણીમાં ઉપયોગ કરવાનો હેતુ રખાયો હતો. લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે આ સંદર્ભમાં વાતચીત પણ થઇ હતી.