મોદી આજે સ્વચ્છતાની નેમ સાથે મહાસંમેલનને સંબોધવા સુસજ્જ

531

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મજ્યંતિની ઉજવણી પ્રસંગે સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કરશે. સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે ૨૦૦૦૦થી પણ વધુ સરપંચોનું સ્વસ્છતાની નેમ સાથે મહાસંમેલન યોજાનાર છે. સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને મોદી પુષ્પાંજલિ પણ અર્પણ કરશે. આ કાર્યક્રમમાં મુખઅયમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અન્યો તમામ ઉપસ્થિત રહેશે. મોદી આવતીકાલે પહોંચી રહ્યા છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધની પણ ઝુંબેશ આવતીકાલથી શરૂ થઇ રહી છે. પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને સાકાર કરવા માટે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાનો જે સંકલ્પ કરીને સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયામાંથી મુક્ત કરવા પ્રથમ કદમ ભર્યુ હતું જે સંકલ્પ આજે પૂર્ણ થયો છે. ૨ જી ઓક્ટોબરે ગાંધીજીની ૧૫૦ મી જન્મ જ્યંતિ ઉજવણી દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કરશે. સાબરમતી રીવરફ્રન્ટ, અમદાવાદ ખાતે ૨૦,૦૦૦ થી વધુ સરપંચોના યોજાનાર મહા સંમેલનમાં વડાપ્રધાનશ્રી આ જાહેરાત કરશે. પ્રધાનમંત્રી ૧પ૦મી ગાંધીજ્યંતિ તા. ર ઓકટોબરે સાંજે ૧૭ઃ૪૫ કલાકે અમદાવાદ આવી પહોચશે. વડાપ્રધાનનો અમદાવાદ એરપોર્ટ બહારના મેદાનમાં કાર્યકર્તાઓ દ્વારા અભિવાદન-સત્કાર સમારોહ યોજવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી સાંજે ૧૮ઃ૩૦ થી ૧૮ઃપ૦ કલાક દરમ્યાન ગાંધી આશ્રમની મૂલાકાત લેશે. ત્યાર બાદ વડાપ્રધાન સાંજે ૭ થી ૮ઃ૨૦ કલાક સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત સ્વચ્છ ભારત દિવસ-૨૦૧૯ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવાના છે. પ્રધાનમંત્રી રાત્રે ૮ઃ૩૦ કલાકે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત નવરાત્રિ મહોત્સવમાં સહભાગી થઇ મા આદ્યશકિતની આરતીમાં ભાગ લેશે અને શેરી ગરબા નિહાળશે. તેઓ રાત્રે ૯ઃ૩૦ કલાકે નવી દિલ્હી જવા રવાના થશે. વડાપ્રધાન સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પીને શ્રધ્ધાસુમન અર્પણ કરશે અને હ્‌દયકુંજ સહિત ગાધીઆશ્રમના વિવિધ સ્થળોની પણ મુલાકાત કરશે. આ વેળાએ રાજયપાલ આચાર્ય દેવવ્રત, રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને એક સામાજીક અભિયાન તરીકે ઉપાડીને દેશભરમાં જાગૃતતા લાવવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાથ ધર્યુ હતુ જે આઝાદીના દાયકાઓ બાદ પણ ક્યારેય ન થયુ હોય તેવું કામ આજે પૂર્ણ થયુ છે ગુજરાતને તેનું ગૌરવ અપાવવાની આ કાર્યક્રમ થકી તક આપી છે તે આપણા સૌ ગુજરાતીઓ માટે ગૌરવરૂપ છે. રીવરફ્રન્ટ ખાતે યોજાનાર આ સરપંચ સંમેલનમાં ગુજરાતના ૧૦,૦૦૦ સરપંચો તથા ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરીયાણા સહિત અન્ય રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશના ૧૦,૦૦૦ સરપંચો મળી કુલ-૨૦,૦૦૦ સરપંચો ભાગ લેનાર છે. ઉપરાંત સ્વચ્છતાગ્રહી, સ્વ-સહાય જુથો, યોજના સાથે સંકળાયેલા ગ્રામ્ય સ્તરના સ્વચ્છતા વર્કરો, મહિલા ચેમ્પીયન મળી કુલ પ્રતિનિધિઓના ૬૦ % થી વધુ બહેનો ભાગ લે તે માટે અગ્રીમતા પણ અપાઇ છે. આ કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી ઉપસ્થિત થનાર ૧૦,૦૦૦ થી વધુ સરપંચોને અમદાવાદ, સુરત, વડોદરા અને મહેસાણા એમ ચાર ઝોનમાં વિભાજીત કરી ગાંધીજીની સ્મૃતિને લગતાં સ્થળોની મુલાકાત પણ કરાવાશે એટલુ જ નહી ગુજરાતની પરંપરાગત સંસ્કૃતિ એવી નવરાત્રીના ગરબા સ્થળે પણ મુલાકાત કરાવાશે.

સાથે-સાથે તેમના માટે કાર્યક્રમમાં સહભાગી થવા માટે ૪૦૦ થી પણ વધુ બસોની વ્યવસ્થા કરાઇ છે. અન્ય રાજ્યોમાંથી આવતા પ્રતિનિધિઓને ઝોન પ્રમાણે ગાંધીજીની સ્મૃતિ સાથે સંકળાયેલા સ્થળો જેવા કે, દાંડી મેમોરીયલ-નવસારી, સ્ટેચ્યુ ઓફ યુનિટી-નર્મદા અને દાંડી કુટિર, મહાત્મા મંદિર-ગાંધીનગરની તેમજ મોડલ ગામની મુલાકાત પણ કરાવાશે. આ તમામ પ્રતિનિધિઓને ગુજરાતની સ્મૃતિ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કિચન સાથે એક કિટ પણ અર્પણ કરાશે. તા. ૨ જી ઓક્ટોબર દેશભરમાં સ્વચ્છતા દિન તરીકે ઉજવાશે. સ્વચ્છતાનો સંદેશો દેશ અને દુનિયામાં પહોંચે તે માટે જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. અમદાવાદ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના મંત્રીમંડળના સભ્યો દેશ-વિદેશના મહાનુભાવો પણ સહભાગી થનાર છે. ઉપરાંત ધારાસભ્યો, સંસદસભ્યો, બોર્ડ કોર્પોરેશનના ચેરમેનઓ, શસસ્ત્ર દળના વડાઓ, હાઇકોર્ટના ન્યાયાધિશઓ, પદ્મ  એવોર્ડ વિજેતા, ગાંધીયન સંસ્થાઓ, શિક્ષણવિદો, મહિલા મંડળ, સખી મંડળ, યુવા મંડળો અને વિવિધ સંસ્થાના વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવશે.

Previous articleરાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૪૭.૩૬ ટકા વરસાદ :રાહત કમિશનર કે.ડી.કાપડિયા
Next articleવિદ્યાર્થીઓ દ્વારા દાંડી માર્ચ યોજીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ