શહેરના હીરાબજાર નિર્મળનગર નાકે ક્રિસ્ટલ બિલ્ડીંગ પાસેથી હેલમેટ પહેરી આવેલા બે અજાણ્યા બાઈક સવારો એ છરીની અણીએ રૂા.૨૦ લાખના હીરા ભરેલા થેલાની લૂંટ કરી નાસી ગયા હતા. જેને પોલીસે ગણતરીની મિનીટોમાં માઢીયા રોડ પરથી એક કારમાંથી મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જેને આજે બપોરે વધુ તપાસ અર્થે રિમાન્ડ માંગ સાથે કોર્ટમાં રજુ કરાયા હતા. સાત દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતાં.
નિર્મળનગર ક્રિષ્ટલ બિલ્ડીંગ દુકાન નં.૨૨૪માં આવેલ આર.મહેન્દ્ર આંગડીયા પેઢીના કર્મચારી અંકીતભાઈ પટેલ દરરોજના રૂટીન મુજબ આજે રાત્રે ૯.૧૫ કલાકની આસપાસ પોતાની પેઢીએથી હીરા, રોકડ વગેરે વસ્તુઓ થેલામાં મુકી તેની પેઢીએથી અન્ય બાલાભાઈ નામના કર્મચારીના બાઈક પર પેઢીથી માત્ર બસો એક મીટર દુર આવેલ નિર્મળનગર નાકા અંબીકા મેડીકલ પાસે તેઓને રૂટીન કામ મુજબ લેવા આવતી કુરીયરની જીપ સુધી મુકવા જતા હતા તે દરમ્યાન રસ્તામાં તેની સામે બાઈક પર આવેલ બે અજાણ્યા હેલમેટ પહેરેલ શખ્સોએ અંકીતભાઈને છરી બતાવી તેની પાસે રહેલ થેલો ઝુંટવી પળવારમાં બાઈક પર જ નાસી છુટ્યા હતા. અચાનક થયેલ આ લૂંટથી ગભરાઈ ગયેલ આ કર્મચારીઓએ દેકારા પડકારા કરતા અન્ય લોકો પણ એકઠા થઈ ગયા હતા પરંતુ લૂંટારૂઓ લૂંટ કરી નાસી છુટ્યા હતા. ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. નાકાબંધી સહીતના પગલા ભરી ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. હીરાના થેલા સાથે ય્ઁજી મશીન મુકેલું હોવાથી પોલીસે લૂંટારૂઓનું પગેરૂ મેળવવા તપાસ હાથ ધરી હતી. જી.પી.એસના આધારે લોકેશન કુંભારવાડા અક્ષરપાર્ક સોસાયટી તરફ નીકળતા પોલીસે એ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. લૂંટારૂઓ બાઇક મુકી કારમાં ભાવનગરની બહાર જવા માટે નિકળ્યા હતા ત્યારે પોલીસે નાકાબંધી કરી હોવાથી અને હીરાના થેલામાં રહેલ ય્ઁજી મશીનનાં કારણે માઢીયા રોડ ઉપરથી આ બંને લૂંટારૂઓ રૂપિયા ૨૦ લાખ ૪૦ હજારનાં રોકડ અને મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા. ડીવાયએસપી મનિષ ઠાકરે જણાવ્યું હતું કે, ઝડપાયેલા શખ્સોમાં કુંભારવાડાનાં ભરત મેરાભાઇ ચોસલા અને લાલા ભાયાભાઇ આલગોતરને ઝડપી લીધા હતા.
આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી હતી. દરમિયાન આજે તેની વધુ તપાસ માટે બપોરે કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજુ કર્યા હતા. અને રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. સાત દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતાં. આમ પોલીસે આગડીયા કર્મચારીના હિરાની લૂંટના આરોપીઓને ગણતરીની મીનીટોમાં ઝડપી લીધા હતા.