રોહિત શર્મા (૧૧૫*)ની સદી અને મયંક અગ્રવાલની અડધી સદી (૮૪*)ની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસે મજબૂત સ્થિતિ બનાવી લીધી છે. પ્રથમ દિવસના અંતે ભારતે વિના વિકેટે ૨૦૨ રન બનાવી લીધા છે. રોહિત શર્મા ૧૧૫ અને મયંક અગ્રવાલ ૮૪ રને રમતમાં છે. વરસાદના કારણે પ્રથમ દિવસે ૫૯.૧ ઓવરની રમત જ શક્ય બની હતી.
રોહિત શર્માએ ૧૫૪ બોલમાં ૧૦ ફોર અને ૪ સિક્સર સાથે ૧૦૦ રન બનાવ્યા હતા. રોહિતે ટેસ્ટમાં ઓપનિંગમાં આવીને પ્રથમ ઇનિંગ્સમાં જ સદી ફટકારી છે. ઓપનર તરીકે ટેસ્ટ કારકિર્દીમાં આ તેની પ્રથમ સદી છે.
રોહિત શર્મા આ સાથે ભારતીય ઓપનરોના ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. તે ઓપનર તરીકે ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારનાર ચોથો ભારતીય બૅટ્સમેન બન્યો છે.
આ પહેલા શિખર ધવન, લોકેશ રાાહુલ અને યુવા ખેલાડી પૃથ્વી શો આવી સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
રોહિતે ટેસ્ટ કારકિર્દીમાં ચોથી સદી ફટકારી છે. તે લગભગ બે વર્ષ પછી ટેસ્ટમાં સદી ફટકારવા સફળ રહ્યો છે. આ પહેલા નવેમ્બર ૨૦૧૭માં શ્રીલંકા સામે નાગપુરમાં ૧૦૨ રનની ઇનિંગ્સ રમી હતી.
ભારતીય ટીમ – વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, ઋદ્ધિમાન સાહા, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી.