ઢબુડી માતાને પકડાવવા ઉપવાસ આંદોલન કરે તે પહેલા ભીખાભાઈને નજરકેદ કરાયા

467

ઢબુડી માતાને કારણે પોતાના દીકરાના મોત થવા હોવાની પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરનાર ભીખાભાઈ માણિયા બુધવારથી ઉપવાસ આંદોલન કરવાના હતા. પરંતુ ગઢડા પોલીસ સ્ટેશનમાં હાલ તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. બોટાદમાં ઢબુડી માતા સામે પોતાના પુત્રની હત્યાના આક્ષેપ કરનાર ભીખાભાઇને ગઢડા પોલીસ દ્વારા નજરકેદ કરાયા છે.

ત્રણ વર્ષ પહેલાં તેમના પુત્રને કેન્સર હોવાથી તેઓ ધનજી ઓડ પાસે ગયા હતા અને તેના કહેવાથી દવા બંધ કરી દેતા પુત્રનું મોત થયું હતું. ત્યારે ચારે તરફથી ઢબુડી માતાના કિસ્સા સામે આવતા ભીખાભાઈએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ઢબુડી માતા વિરુદ્ધ અરજી કરી હતી. પરંતુ ઢબુડી સામે પોલીસ દ્વારા ફરીયાદ ન લેતા તેને લઈ તેઓ ઉપવાસ આંદોલન કરવાના હતા. ભીખાભાઇ માણિયા ગાંધીનગર પોલીસ ભવન ખાતે ઉપવાસ પર બેસવાના હતા. તેઓ ઉપવાસ આંદોલન કરે તે પહેલા જ ગઢડા પોલીસ દ્વારા તેઓને નજરકેદ કરાયા.

ભીખાભાઈના આક્ષેપ મુજબ ધનજી ઓડ અંધશ્રદ્ધા ફેલાવે છે. તેમજ ધનજીના ધતિંગ સામે આવવા છતાં પોલીસ ફરિયાદ નોંધતી નથી. ત્યારે છેવટે ભીખાભાઈએ ઉપવાસ આંદોલનનું પગલુ ભર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના રૂપાલ ગામનો ધનજી ઓડ નામનો પુરૂષ ચૂંદડી ઓઢી ઢબુડી મા બન્યો છે. જેના હજારોની સંખ્યામાં ફોલોઅર્સ છે. ધનજી ઓડનો દાવો છે કે તેના પર જોગણી માતાની કૃપા થઈ છે. ભક્તો તેને રૂપાલની જોગણી માતાના નામે ઓળખે છે. ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ માથા પર ચૂંદડી ઓઢી ધૂણે છે. રૂપાલ સહિત રાજ્ય ભરના અનેક ગામોમાં તથા મુંબઈમાં અનેક કાર્યક્રમો કરી ચૂકી છે.

Previous articleવોર્ડ નં-૧૩ની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવાર તરીકે દેવાંગ ઠાકોરનું નામ જાહેર
Next articleકિડની ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે રાજ્યનું નામ રોશન કરનાર ડો.એચ.એલ. ત્રિવેદીનું નિધન