તહેવારની સિઝનમાં કેન્દ્ર સરકાર કરદાતાઓને મોટી રાહત આપવાની તૈયારીમાં દેખાઈ રહી છે. કરદાતાઓને મોટી ભેંટ ટૂંક સમયમાં જ આપી શકે છે. કરદાતાઓના ખિસ્સામાં વધુ પૈસા બચી શકે તેના હેતુ સાથે સરકાર આગળ વધી રહી છે. આર્થિક ગતિવિધિ તીવ્ર બનાવવાના પ્રયાસ પણ થઇ રહ્યા છે. ટૂંક સમયમાં જ સરકાર ટેક્સ સ્લેબમાં મોટા ફેરફાર કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરકારી અધિકારી ડાયરેક્ટ ટેક્સ કોડ (ડીટીસી)ના પ્રસ્તાવ હેઠળ જુના ઇન્કમટેક્સ કાયદાને સરળ અને ટેક્સ રેટને તર્કસંગત બનાવવા માટે કામગીરી ચાલી રહી છે. ડીટીસી ઉપર રચવામાં આવેલી ટાસ્ક ફોર્સે ૧૯મી ઓગસ્ટના દિવસે પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. સરકાર ટેક્સ શિસ્ત અને આધારને વધારવા માટે કરદાતાઓની સુવિધા વધારવા માટે ઇચ્છુક છે. સરકાર ટેક્સ કાપને લઇને અનેક વિકલ્પો ઉપર વિચારણા કરી રહી છે.
આ નિર્ણયથી મહેસુલી અને અન્ય પરિસ્થિતિમાં વિચારણા કરવામાં આવનાર છે. દરેક કરદાતાને ઓછામાં ઓછા પાંચ ટકા ટેક્સ છુટછાટ આપવા પર કામ ચાલી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૫થી ૧૦ લાખ રૂપિયા સુધીની આવક પર ૧૦ ટકા ટેક્સ સ્લેબને લઇને વિચારણા ચાલી રહી છે. હાલમાં આટલી આવક પર ૨૦ ટકા ટેક્સ લાગૂ પડે છે. સેસ, સરચાર્જને દૂર કરીને ૩૦ ટકા ટેક્સ સ્લેબને ઘટાડીને ૨૫ ટકા કરવા પર વિચારણા ચાલી રહી છે. હાલમાં ૨.૫ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર ટેક્સ લાગૂ કરાતો નથી જ્યારે ૨.૫ લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર ૫ ટકા ટેક્સ આપવામાં આવે છે પરંતુ ફેબ્રુઆરી ૨૦૧૯માં વચગાળાના બજેટમાં સરકારે પાંચ લાખ રૂપિયા સુધીની કરવેરાપાત્ર આવક પર ટેક્સ છુટછાટોની જાહેરાત કરી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તમામ પાસાઓ ઉપર વિચારણા ચાલી રહી છે. ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે. સરકાર દિવાળીથી પહેલા મોટી જાહેરાત કરી શકે છે. આનાથી કરદાતાઓના હાથમાં મોટી રકમ આવશે. ઉપયોગને પ્રોત્સાહન મળશે. આર્થિક ગતિવિધિમાં તેજી લાવી શકાશે. જૂન ત્રિમાસિક ગાળામાં વિકાસ દર ૫ ટકા રહ્યા બાદ સરકાર અનેક મહત્વપૂર્ણ પગલા લઇ ચુકી છે જેનાથી કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો પણ થઇ રહ્યો છે. કોર્પોરેટ ટેક્સને ૩૦ ટકાથી ઘટાડીને ૨૨ ટકા કરવામાં આવ્યો છે. નવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ ૧૫ ટકા નક્કી કરાયો છે.