ખેડૂતોને થયેલ નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી પાક વીમાની રકમ ચૂકવોઃ ધાનાણી

447

ગુજરાતમાં વરસાદનું જોર યથાવત્‌ રહ્યું હતું રાજ્યમાં સરેરાશ ૧૪૫ ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. ઘણા જિલ્લાઓમાં ૨૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. આમ રાજ્યમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે જેને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે.

એક અંદાજ મુજબ ખાતર બિયારણ વગેરે પાછળ જ ખેડૂતોને ૨૫ હજાર કરોડથી વધારેનું જંગી નુકસાન થયું છે માટે ખેડૂતોને સહાય કરવા માટે તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને મદદ કરવાની માગણી કરવામાં આવી છે. આ સંદર્ભમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવ્યું છે કે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક ખૂબ જ વરસાદ થયેલ છે, જેના કારણે હાલ લીલા દુષ્કાળની સ્થિતિ પ્રવર્તી રહી છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદને કારણે ખૂબ જ નુકસાન થયું છે, જનજીવન ખોરવાઈ ગયું છે, રસ્તાઓ ધોવાઈ જતા વાહનવ્યવહાર અસરગ્રસ્ત થયા છે, નદી-નાળા છલકાઈ જવાથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, ખાતર-બિયારણ નિષ્ફળ ગયું છે તેમજ ગામોમાં પાણી ઘુસી જતા ઘરવખરી તથા માલસામાનને મોટાપાયે નુકસાન થયું છે અને કાચા-પાકા મકાનો પણ ધરાશાયી થયા હોઈ લોકોને ખૂબ મોટું આર્થિક નુકસાન થવા પામ્યું છે.અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ખેતર ધોવાઈ ગયા, પાળા અને શેઢા ધોવાઈ ગયા, ઉભો પાક ધોવાઈ ગયો, પાક પાણીમાં ડૂબી ગયો, પાકના મુળિયા સડી ગયા, ઝીંડવા ખરી ગયા, સતત પાણીના કારણે પાકમાં ફુગી આવી ગઈ, તલ-બાજરી-જુવાર જેવો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. કપાસમાં છોડમાં આવેલા ફુલ અને નાના જીંડવા ભારે વરસાદને કારણે ખરી ગયા છે તથા મગફળી જમીનની અંદર જ ઉગી ગયેલ છે અને કોહવાઈ ગયેલ છે તથા બાજરીના ડુંડામાં જ દાણા ઉગી ગયા છે તથા બાકી રહી ગયેલ દાણામાં ફુગ લાગી જતા કાળા પડી ગયા છે. પવનના કારણે બાજરો, જુવાર, મકાઈ, ડાંગર વિગેરે પાકો ઢળી ગયેલ છે.

ઉક્ત પરિસ્થિતિ અન્વયે રાજ્યના તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં તાકીદે યુદ્ધના ધોરણે નીચે મુજબની કાર્યવાહી હાથ ધરવા વિનંતી છે.

Previous articleપુર-વરસાદથી ૧૪ રાજ્યોમાં ૧૬૮૫થી વધુના મોત
Next articleબસ ડ્રાઇવરોના મોબાઇલ પર પ્રતિબંધ મુકવા માટેની માંગણી