શાકભાજીની કિંમતોમાં ૪૦ ટકા સુધી થયેલ જંગી વધારો

420

ગુજરાતમાં આ વર્ષે સીઝનનો ૧૪૧ ટકા વરસાદ પડતા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાઇ છે. ખેતરોમાં પાણી ઘૂસી જતાં ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદથી પાકને મોટાપાયે નુકસાન થતા શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે, રસોઈમાં સૌથી વધુ વપરાતી ડુંગળી અને ટામેટાના ભાવ આસમાને છે.

છેલ્લા ૧૦ દિવસના વરસાદથી શાકભાજીના ભાવમાં ૪૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. જેથી ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. શાકભાજીના વેપારીઓ મુજબ હજુ દિવાળી સુધી સ્થિતિ આવી જ રહેશે. દિવાળી બાદ શાકભાજીના ભાવ ઓછાં થાય તેવી શક્યતા છે. હાલ જે પ્રમાણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. આની સૌથી વધુ અસર ગરબી અને મધ્યમ વર્ગના લોકો પર પડી રહી છે. અમદાવાદ શહેરના શાક માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું કે, હાલ ડુંગળીના એક કિલોના ભાવ રૂ. ૬૦થી ૮૦ છે. ડુંગળીના ભાવ વધી જતાં પરિસ્થિતિ એવી બની છે કે, ગ્રાહકો હવે બટાકા પણ ખરીદતા નથી.

વરસાદથી બજારમાં નવા શાકભાજી નથી આવી રહ્યા. જેના કારણે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. શાકભાજીના ભાવ વધતા માર્કેટમાં હવે ગ્રાહકોની ભીડ પણ દેખાતી નથી. હજુ ૧૫થી ૨૦ દિવસ પરિસ્થિતિ આવી જ બની રહેશે. દિવાળી બાદ શાકભાજીના ભાવ ઘટી શકે છે પરંતુ દિવાળી સુધી શાકભાજીના ભાવમાં ઘટાડાના કોઇ એંધાણ વર્તાતા નથી. શાકભાજીના ભાવો આસમાને પહોંચતા ગરીબ અને મધ્યમ વર્ગની હાલત જાણે કે, કફોડી બની છે. ખાસ કરીને ગૃહિણીઓનું રસોઇનું બજેટ શાકભાજીના ભાવવધારાના કારણે ખોરવાઇ ગયું છે.

Previous articleબસ ડ્રાઇવરોના મોબાઇલ પર પ્રતિબંધ મુકવા માટેની માંગણી
Next articleપ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં ૬ હજાર પર્યાવરણ પ્રયોગ શાળાઓ શરૂ કરાશે