ભાજપ શાસિત વિજાપુર નગર પાલિકાના ૨ અપક્ષ અને ૧ કોંગી કોર્પોરેટરે શનિવારે જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચી ભાજપનો ખેસ પહેરતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
લાંબા સમયથી ચાલતા આંતરિક વિવાદ વચ્ચે ભાજપ તરફે ૩ કોર્પોરેટરોનો વધારો થયો છે. વિજાપુર નગરપાલિકામાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી છતાં આંતરિક વિખવાદ વચ્ચે ભાજપે સત્તા આંચકી ગાંડાભાઇ પટેલને પ્રમુખ બનાવ્યા બાદ વધુ ૩ કોર્પોરેટરોને ભાજપનો ખેસ પહેરાવી રાજકીય ભૂકંપ સર્જયો છે.
નગરપાલિકામાં ભાજપના-૭, કોંગ્રેસના ૧૨ અને ૨ અપક્ષ મળી કુલ ૨૧ સભ્યો વચ્ચે ચાલતી સત્તાની ખેચમતાણ વચ્ચે શનિવારે વિજાપુરના વોર્ડ-૨ના અપક્ષ કોર્પોરેટર મનુજી અમરસિંહ ઠાકોર, વોર્ડ-૧ ના ઉદાજી નાથુજી દરબાર અને કોંગ્રેસના દિવાનસિંહ નાનસિંહ ઝાલાએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ નીતિન પટેલના હાથે ભગવો ખેસ પહેરી ભાજપમાં વિધિવત જોડાઇ ગયા છે.