પોરબંદરમાં સૌપ્રથમ વખત ગાંધીજીનું જીવન દર્શન ડિઝિટલ મિડિયાના માધ્યમથી કરાવતા ડિઝિટલ પ્રદર્શન આજે ગાંધી જયંતીએ ખુલ્લુ મુકાયુ હતું. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્રારા તૈયાર કરાયેલા આ ચાર દિવસ માટેના પ્રદર્શનને સાંસદ રમેશભાઇ ધડુકે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા અને અગ્રણી વિક્રમભાઇ ઓડેદરા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં લોકો માટે ખુલ્લુ મુક્યુ હતું. આ પ્રદર્શનમાં લોકો ઇન્ટર એકટીવ ડિસ્પ્લે દ્રારા ગાંધી વિચારને જાણશે અને માણશે. આ પ્રદર્શન અંગેની વિશેષ વિગતો ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત વિભાગના વડા એડિશનલ ડાયરેકટર જનરલ ડો.ધિરજ કાકડિયાએ આપી હતી. તેમણે કહ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારે સમગ્ર દેશમાં ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી વિશાળ પાયા પર કરી છે જેના ભાગરૂપે આ પ્રદર્શન પોરબંદર ખાતે યોજવામાં આવ્યુ છે. આ પ્રદર્શનના પ્રારંભે પોરબંદરના નાગરિકો પણ ઉપસ્થિતિ રહ્યા હતા.