મહારાષ્ટ્રમાં ઠાકરે પરિવારના કોઇ સભ્ય દ્વારા ચૂંટણી ન લડવાની પંરપરાને તોડીને આદિત્ય ઠાકરેએ આજે તેમની ઉમેદવારી દાખલ કરી હતી. વર્લી સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતરી જતા પહેલા આદિત્ય દ્વારા રોડ શો યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોક ઉમટી પડ્યા હતા. રોડ શો કરીને આદિત્યે તેમની શક્તિનુ પ્રદર્શન કર્યુ હતુ. રોડ શો દરમિયાન શિવસેનાના કાર્યકરો ભારે જોશમાં નજરે પડ્યા હતા. તમામ જુદી જુદી જગ્યાએ ફુલનો વરસાદ કરીને આદિત્યનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. બીજી બાજુ સવારમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે સવારે ફોન કરીને આદિત્ય ઠાકરેને શુભેચ્છા પાઠવી હતી. સ્વર્ગસ્થ બાલ ઠાકરે દ્વારા વષ૧૯૬૬માં શિવ સેનાની સ્થાપના કરવામાં આવ્યા બાદથી ઠાકરે પરિવારના કોઇ સભ્ય ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા ન હતા. ઠાકરે પરિવારના સભ્યો કોઇ પણ બંધારણીય હોદ્દા પર રહ્યા નથી. ઉદ્ધવ ઠાકરેના પરિવારિક ભાઇ અને મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ વર્ષ ૨૦૧૪માં રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લેવાની ઇચ્છા દર્શાવી હતી. જો કે મોડેથી નામ પરત ખેંચી લેતા અટકળોનો અંત આવ્યો હતો. આની સાથે જ ઠાકરે પરિવારમાંથી ચૂંટણી લડનાર આદિત્ય પ્રથમ સભ્ય બની ગયો છે. શિવસેનાના વર્તમાન ધારાસભ્ય સુનિલ શિન્દે આદિત્ય માટે તેમની વર્લી સીટ છોડી રહ્યા છે. આદિત્યનુ કહેવુ છે કે તેઓ માત્ર વર્લી વિસ્તાર માટે નહીં બલ્કે સમગ્ર મહારાષ્ટ્ર માટે કામ કરવા માટે ઇચ્છુક છે. આદિત્યે કહ્યુ હતુ તે તેમને જીતનો તો વિશ્વાસ છે. કારણ કે તમામના આશિર્વાદ સાથે રહેલા છે.આદિત્યે કહ્યુ હતુ કે રાજનીતિથી જ લોકોની સેવા કરવામાં આવી શકે છે. વર્ષ ૨૦૧૪માં શિવ સેના એકલા હાથે મેદાનમાં ઉતરી હતી. ભાજપે ૨૬૦ સીટો પર ચૂંટણી લડીને ૧૨૨ ઉપર જીત મેળવી હતી. જ્યારે શિવસેનાના ૨૮૨ સીટ પર ચૂટણી લડી હતી. જ્યારે ૬૩ સીટો જીતી હતી. શિવસેના પ્રમુક ઉદ્ધવ ઠાકરેએ આદિત્ય ઠાકરેને સમર્થન આપવા બદલ જનતાનો આભાર માન્યો છે અને કહ્યું છે કે, જનતાની સેવા કરવાની બાબત પરિવારની પરંપરા રહી છે. નવી પેઢી નવી વિચારધારા સાથે આવી છે. જનતાના સમર્થન માટે તેઓ આભાર માને છે. જનતા જ્યારે પણ બોલાવશે ત્યારે આદિત્ય હાજર થશે. આ ગાળા દરમિયાન એક પ્રશ્નના જવાબમાં ઉદ્ધવે કહ્યું હતું કે, તેઓ પોતે ચૂંટણી લડનાર નથી. આદિત્ય ઠાકરેએ રાજનીતિમાં એન્ટ્રી કરીને હવે રાજકીય ગરમી જગાવી દીધી છે. સીટોની વહેંચણીને લઇને વિવાદ બાદ ભાજપ અને શિવસેના જુદી જુદી રીતે ૨૦૧૪માં મેદાનમાં ઉતર્યા હતા.