દિના એશેર સ્મિથે બુધવારે અહીં વિશ્વ ચેમ્પિયનશિપની ૨૦૦ મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને બ્રિટનના ૩૬ વર્ષના દુકાળનો અંત લાવ્યો, જ્યારે અમેરિકાની ગ્રાન્ટ હોલોવેએ ૧૧૦ મીટર વિઘ્ન દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશેર સ્મિથે ૧૦૦ મીટર સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો, તેણે ૨૦૦ મીટરમાં દબદબો બનાવતા ૨૧.૮૮ સેકન્ડની સાથે પ્રથમ સ્થાન હાસિલ કર્યું હતું.આ રીતે ૨૩ વર્ષની એશેર સ્મિથ વિશ્વ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ૧૦૦ મીટર કે ૨૦૦ મીટરમાં ગોલ્ડ જીતનારી બ્રિટનની પ્રથમ મહિલા એથલીટ બની ગઈ છે. અમેરિકાની બ્રિટની બ્રાઉને ૨૨.૨૨ સેકન્ડના સમય સાથે બીજુ અને સ્વિટ્ઝર્લેન્ડની મુજીંગા કામ્બુદ્જીએ ૨૨.૫૧ સેકન્ડની સાથે ત્રીજુ સ્થાન મેળવ્યું હતું. ઇંગ્લિશ એથલીટે જ્યારે રેસ પૂરી કરી તો તે ભાવુક થઈ ગઈ હતી. ટ્રેક પર અન્ય એથલીટોને ગળે મળતા સમયે તેને આંસુ લૂછતા જોઈ શકાતી હતી. ત્યારબાદ તે દેશનો ધ્વજ લઈને પોતાની માતા પાસે પહોંચી ત્યારે તેની આંખમાંથી આંસુ નિકળી રહ્યાં હતા. આ ઐતિહાસિક ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.