વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મહિલા પ્રમુખ પદ માટે કોંગ્રેસના બળવાખોર ઇલાબેન ચૌહાણે ભાજપના ટેકાથી ઉમેદવારી પત્ર ભર્યું છે. અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે નીલાબેન ઉપાધ્યાયે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે.
વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર થયા બાદ વિકાસ કમિશનરે ૪ ઓક્ટોબરે મહિલા પ્રમુખ માટેની ચૂંટણી યોજવાનું નકકી કર્યું હતું. જેમાં ભાજપે કોંગ્રેસી બળવાખોર ઈલાબેન ચૌહાણને ટેકો આપીને ઉમેદવાર બનાવ્યા છે. ૨૦૧૮માં પન્નાબેન ભટ્ટ સામે કોંગ્રેસના જ ઈલાબેન ચૌહાણે મહિલા પ્રમુખ તરીકે ચૂંટણી લડ્યા હતા. જેમાં ભાજપે ૩ ક્રોસ વોટીંગ કરાવી ૧૭ વોટ આપ્યાં હતાં. જોકે પન્નાબેન ભટ્ટ ૧૯ વોટથી જીત્યાં હતાં.
વડોદરા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિનાં સભ્ય અને આરોગ્ય સમિતિનાં તાત્કાલિન ચેરમેન નીલા ઉપાધ્યાયના પુત્ર અભિષેક સતીષ ઉપાધ્યાયે અઢી વર્ષ પહેલાં ખેડૂત પીયૂષ પટેલ પાસેથી ફાઇલ મંજૂર કરાવવા માટે દોઢ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જોકે, તડજોડના અંતે રૂપિયા ૧ લાખ નક્કી થયા હતા. અને ખેડૂત લાંચની રકમ લઇને અભિષેકના ઘર પાસે પહોંચતાં અભિષેકના પિતા સતિષ ઉપાધ્યાય સ્વિફટ કાર લઇને લાંચની રકમ લેવા ગયા હતા, જ્યાં ખેડૂત પાસેથી ૧ લાંચ લેતાં ઝડપાઇ ગયા હતા. ત્યારબાદ કોંગ્રેસે પિતા-પુત્રને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કર્યાં હતા. તેમ છતાં કોંગ્રેસે નીલાબેન ઉપાધ્યાયને પ્રમુખ પદના ઉમેદવાર બનાવ્યા છે.