વડોદરા શહેરના રાવપુરા રોડ ઉપર આવેલા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગમાં ગાંધી જયંતિના દિવસે રૂપિયા ૩૦ લાખનું ખાદીનું બમ્પર વેચાણ થયું હતું. ઓક્ટોબર માસના અંત સુધીમાં રૂપિયા ૩ કરોડની ખાદી વેચવાનું લક્ષ્યાંક છે.
વડોદરા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગના મેનેજર જસવંતભાઇ દલવાડીએ જણાવ્યું હતું કે, પ્રતિ વર્ષ ગાંધી જયંતિના દિવસે ગુજરાત સરકાર દ્વારા ખાદીમાં ૨૦ ટકા અને સંસ્થા દ્વારા ૫ ટકા મળી કુલ્લે ૨૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. જેનો શહેરીજનો દ્વારા ઉત્સાહભેર લાભ લેવામાં આવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦માં જન્મદિને રૂપિયા ૨૯.૯૦ લાખનું બમ્પર વેચાણ થયું હતું. આ વર્ષે રૂપિયા ૯.૫૦ કરોડનું ખાદી વેચવાનો લક્ષ્યાંક ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રૂપિયા ૨ કરોડ ઉપરાંતનું ખાદી વેચાણ થઇ ગયું છે. ઓક્ટોબર માસના અંત સુધીમાં રૂપિયા ૩ કરોડનું ખાદી વેચવાનો લક્ષ્યાંક છે. માર્ચ-૨૦૨૦ સુધીમાં રૂપિયા ૯.૫૦ કરોડનો લક્ષ્યાંક પણ અમે પૂરો કરી દઇશું. કારણ કે, લોકોમાં ખાદી પહેરવાનો ક્રઝ વધી રહ્યો છે. જેમાં વર્તમાન યુવાધન ખાદીની ધૂમ ખરીદી કરે છે.