ગરબા ગ્રાઉન્ડ્‌સમાં ફૂડ વિભાગના દરોડા…૩ કિલો અખાદ્ય ફૂડનો નાશ કર્યો

397

વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મોડી રાત્રે ગોરવા રોડ સ્થિત યુનાઇટેડ વે ઓફ બરોડા, નવલખી મેદાનમાં પેલેસ હેરિટેજ ગરબા, પોલો ક્લબ ગરબા મહોત્સવ અને ઓલ્ડ પાદરા રોડ વરદાયીની ગરબા મહોત્સવમાં ચાલતા ફૂડ સ્ટોલ ઉપર દરોડા પાડ્યા હતા. યુનાઇટેડ વેના ગરબા મેદાન સ્થિત એક સ્ટોલમાંથી મળી આવેલી અખાદ્ય ચીજવસ્તુઓનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.પાલિકાના ફૂડ વિભાગ દ્વારા એલેમ્બિક રોડ ઉપર યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં ૬૫ ફૂડ સ્ટોલ ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા તેમજ આરોગ્યલક્ષી ખોરાક છે કે, કેમ તેનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન એક સ્ટોલ ઉપરથી અખાદ્ય ચીજવસ્તુઓ જણાઇ આવી હતી.

ખારાક શાખાની ટીમે સ્થળ પરજ ૩ કિલો અખાદ્ય ખોરાક જપ્ત કર્યો હતો. અને સ્થળ પર તેનો નાશ કર્યો હતો. આ સાથે સ્વચ્છતા અંગે બે ફૂડ સ્ટોલ સંચાલકોને શિડ્યુલ-૪ અંગેની નોટિસ ફટકારી હતી.આ ઉપરાંત ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા નવલખી મેદાનમાં ચાલતા પેલેસ હેરિટેજ ગરબામાં ૩૩ ફૂડ સ્ટોલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.

આ સાથે પોલોમેદાન પાસે પોલો ક્લબ ગરબા મહોત્સવમાં ૨૯ ફૂડ સ્ટોલ અને ઓલ્ડ પાદરા રોડ ઉપર વરદાયીની ગરબા મહોત્સવમાં ૧૮ ફૂડ સ્ટોલ ઉપર દરોડા પાડી ચેકિંગ કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે ખોરાક શાખાના ફૂડ સેફ્ટી વિભાગે બોલાવેલા સપાટાથી ફૂડ સ્ટોલ સંચાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, નવરાત્રી દરમિયાન રોજેરોજ અલગ-અલગ મેદાનોમાં ચાલતા ફૂડ સ્ટોલ ઉપર ચેકિંગ કરવામાં આવશે. અને જે સ્ટોલ ઉપર ક્ષતી જણાઇ આવશે તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

Previous articleગાંધી જયંતિએ ખાદીની ધૂમ ખરીદી, અધધધ…૩૦ લાખની ખાદીનું વેચાણ
Next articleટ્રાફિકનો દંડ ભરવાનું કહેતા મહિલાની રસ્તા વચ્ચે નૌટંકી, પોલીસ સાથે મારામારી કરી