અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ પાર્ટીના સિનિયર સેનેટરી ઇન્સ્પેકટરને તેમના જ કર્મચારીએ હાથપગ તોડી નાખવાની ધાકધમકી આપી હોવાની ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. સેનેટરી ઇન્સ્પેકટરે કર્મચારીને વડાપ્રધાનના કાર્યક્રમ દરમ્યાન સૂચના મુજબ કામ કરવાનું કહ્યું હતું છતાં તેમને કામ કર્યું ન હતું. પોલીસે હાલ આ મામલે તપાસ શરૂ કરી છે.
કાંકરિયાની નરહરિ કોલોનીમાં રહેતા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગમાં સિનિયર સેનેટરી ઇન્સ્પેકટર પિયુષ વ્યાસને સાબરમતી રિવરફ્રન્ટ પર વડાપ્રધાનનો કાર્યક્રમ હોવાથી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. તેઓએ અલગ અલગ ટીમ બનાવી હતી જેમાં કોર્પોરેશનમાં ફરજ બજાવતા મુકેશ ભાટીને સૂચના આપવા છતાં તેઓ કામ કરતા ન હતા. જેથી પીયૂષભાઈએ જે સૂચના આપી છે તેમ કામ કરવાનું કહેતા ઉશ્કેરાઈ મુકેશે કામની ના પાડી દીધી હતી.
વડાપ્રધાનનો કાર્યક્રમ પૂરો થયા બાદ રાતે ૧૦ વાગે જ્યારે પિયુષભાઈ જમાલપુર સ્લોટર હાઉસમાં અન્ય કર્મચારીઓ સાથે બેઠા હતા ત્યારે મુકેશે ત્યાં આવી કહ્યું હતું કે ” તું આજે મારી જોડે કેમ કડક કામ લેતો હતો, તું મને ઓળખતો નથી તેમ કહી ગાળાગાળી કરી હતી. હવે પછી કામનું કહીશ કે કોઈ પાસે કડક કામ લઈશ તો હાથ પગ તોડી નાખીશ તેવી ધમકી આપી હતી.